આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીરે-ધીરે વધુ મજબૂત બની રહી છે અને સંગઠનના વિસ્તરણનું કામ સતત આગળ વધી રહ્યું છે. ગુજરાતના 50 હજારથી વધુ બૂથો પર મજબૂત સંગઠન ઊભું કરવાના સંકલ્પ સાથે પાર્ટી સતત મહેનત કરી રહી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સ્તરે જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. આજે કેટલાક જિલ્લા પ્રમુખો, લોકસભા ઇન્ચાર્જ, લોકસભા સંગઠન મંત્રીઓ તેમજ પ્રદેશ સ્તરની મહત્વની જવાબદારીઓ માટે સાથીઓની નિમણૂક કરવામાં આવી રહી છે.
મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવી રહી છે. પાર્ટીનો હેતુ ગુજરાતના સામાન્ય અને મહેનતુ લોકોનો અવાજ બનીને જનતાની સરકાર સ્થાપિત કરવાનો છે. દરેક નવા જવાબદારોને સંગઠનના વિસ્તરણ, જનસંપર્ક અને પક્ષને બુથ સ્તર સુધી મજબૂત બનાવવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતમાં પરિવર્તન માટે આમ આદમી પાર્ટી આગામી સમયમાં વધુ આક્રમક રીતે જનહિતના મુદ્દાઓ ઉઠાવશે અને “સામાન્ય માણસની સરકાર” બનાવવાના સંકલ્પ સાથે આગળ વધશે.





