
વેચાણમાં ૪૦ ટકાનો તોતિંગ વધારો ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ઈલેક્ટ્રિક સગડીની માગમાં ઉછાળો ઇલેક્ટ્રિક સગડીની રાતોરાત માગ વધતા ભાવમાં પણ ૧૫ ટકા સુધીનો વધારો થોપી દેવાયો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં થઈ રહેલી અસ્થિરતાને કારણે આગામી સમયમાં પણ રાહત મળવાની શક્યતા ઓછી જણાય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં રાંધણ ગેસના સિલિન્ડરની અનિયમિતતા અને અછતને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મૂકાઈ છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ગેસ રિફિલિંગમાં થતા વિલંબ અને વિતરણ વ્યવસ્થામાં આવેલી અડચણોને પગલે હવે લોકોએ રસોઈ માટે વૈકલ્પિક સાધનો અપનાવવાનું શરૂ કર્યું છે.
આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ઈલેક્ટ્રોનિક્સ બજાર પર જાેવા મળી રહ્યો છે, જ્યાં ઈલેક્ટ્રિક સગડીના વેચાણમાં અચાનક ૪૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. ઈલેક્ટ્રિક સગડીના વેચાણમાં સતત વધારો થતાં ભાવમાં પણ ૧૫ ટકા સુધીનો વધારો ઝીંકી દેવાયાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ ગેસ વિતરણ કંપનીઓ ટેકનિકલ કારણો આગળ ધરી રહી છે અને ગેસ એજન્સીઓ પર લાંબી કતારો અને બુકિંગ કર્યાના ઘણા દિવસો પછી પણ સિલિન્ડર ન મળવાને કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્યમ વર્ગના પરિવારો માટે રસોઈનો પ્રશ્ન વિકટ બન્યો છે. જનતાએ પોતાની સુરક્ષા માટે ‘પ્લાન-બી’ તરીકે ઈલેક્ટ્રિક સગડી અપનાવી લીધી છે. બદલાતી જીવનશૈલી અને જરૂરિયાતનો સ્પષ્ટ સંકેત છે. લોકો હવે ઈલેક્ટ્રિક સગડીને પ્રાધાન્ય આપી રહ્યા છે. ગેસના વધતા ભાવ અને સિલિન્ડર મેળવવાની હાલાકી સામે ઈલેક્ટ્રિક સગડી વાપરવી હવે આર્થિક રીતે પણ પરવડે તેવી છે. સોલાર પેનલ ધરાવતા ઘરોમાં તો ઈલેક્ટ્રિક સગડીનો ઉપયોગ લગભગ મફત જેવો સાબિત થઈ રહ્યો છે. જાેકે, સતત વધતા વીજ વપરાશને કારણે વીજ બિલમાં વધારો થવાની શક્યતા પણ ગ્રાહકોને સતાવી રહી છે. છૂટક વેપારીઓના જણાવ્યા અનુસાર “અમારી પાસે આવતા દર ૧૦ ગ્રાહકોમાંથી ૬ ગ્રાહકો ગેસ સિલિન્ડર ન મળવાની ફરિયાદ કરે છે. ઈલેક્ટ્રિક સગડી હવે ‘લક્ઝરી’ મટીને ‘જરૂરિયાત’ બની ગઈ છે. જાે ગેસનો પુરવઠો વહેલી તકે સામાન્ય નહીં થાય, તો આગામી દિવસોમાં ઈલેક્ટ્રિક ઉપકરણોની તીવ્ર અછત સજાર્ી શકે છે.”




