મુંબઈમાં શિલ્પા રાવના શો વચ્ચે માઈક અને લાઈટ્સ બંધ સિંગર શિલ્પા રાવનું પર્ફાેર્મન્સ અધવચ્ચે બંધ કરાતા વિવાદ! સમયપત્રકમાં વિલંબના કારણે પર્ફાેર્મન્સ રોકાયાનો અહેવાલ, ચાહકોની નારાજગી વચ્ચે ગાયિકાએ વ્યક્ત કર્યું દુ:ખ મુંબઈના ૨૪ ઑક્ટોબરે યોજાયેલા ‘બોલિવૂડ મ્યુઝિક પ્રોજેક્ટ’ના ૧૦મા વર્ષગાંઠના કાર્યક્રમમાં જાણીતી ગાયિકા શિલ્પા રાવનું પર્ફાેર્મન્સ અધવચ્ચે અટકાવી દેવામાં આવતાં વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં અનેક કલાકારોએ પર્ફાેર્મન્સ આપ્યું હતું, પરંતુ શિલ્પા રાવનો કાર્યક્રમ અચાનક બંધ કરી દેવામાં આવતાં ઉપસ્થિત ચાહકોને આશ્ચર્ય થયું હતું. અહેવાલો અનુસાર, તેમનું માઈક અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું હતું અને સ્ટેજની લાઈટ્સ પણ બંધ કરી દેવાઈ હતી. કાર્યક્રમના નિર્ધારિત સમયપત્રકમાં વિલંબ થતાં શિલ્પા રાવનું પર્ફાેર્મન્સ અધવચ્ચે રોકવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે શિલ્પા ચાહકોનો આભાર માનવા અને તેમની વિદાય લેવા માગતી હતી, પરંતુ તેને પોતાની વાત પૂરી કરવાની તક મળી નહોતી. આ દરમિયાન ચાહકો તેમને ફરી સાંભળવા અને તેમનું નામ લઈને સમર્થન આપવા લાગ્યા હતા. ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર પણ કાર્યક્રમના આયોજનની મોટા પાયે ટીકા થઈ હતી.આ ઘટના બાદ શિલ્પા રાવે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક સંદેશ શેર કર્યાે હતો. તેણે લખ્યું કે મુંબઈમાં તે દિવસે તેમના દિલનો એક ટુકડો તૂટી ગયો હતો અને આટલો સુંદર મંચ આ રીતે છીનવાઈ જવાથી તેમને ખૂબ દુ:ખ થયું હતું. જાેકે, સંગીત બંધ થઈ ગયું હોવા છતાં ચાહકોનો પ્રેમ અટક્યો નહોતો. ચાહકો સતત તેમનું નામ બોલાવી રહ્યા હતા અને તેમના અવાજમાં રહેલો પ્રેમ શિલ્પાએ અનુભવ્યો હતો.શિલ્પા રાવે પોતાના સંદેશમાં ચાહકોનો આભાર માનતાં કહ્યું કે તે રાતે તેમની અને ચાહકોની કહાની અધૂરી રહી ગઈ, પરંતુ તેમણે ફરી મુંબઈ પાછા આવવાનું વચન આપ્યું. તેમણે મુંબઈ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યાે હતો. આ ઘટના બાદ કાર્યક્રમના આયોજન અને કલાકારોને આપવામાં આવતા સમય અંગે ચર્ચા શરૂ થઈ છે. સંગીતના કાર્યક્રમોમાં સમયપત્રકનું પાલન જરૂરી છે, પરંતુ પર્ફાેર્મન્સ દરમિયાન માઈક અને લાઈટ્સ બંધ કરી દેવાની ઘટનાએ કલાકારના સન્માન અને કાર્યક્રમના સંચાલન અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.




