પ્રભાસની ફૌજી ફિલ્મ ટીઝરથી વિવાદમાં સપડાઈ ફૌજીમાં નેતાજી અને હિટલરના સંવાદ દર્શાવાતાં વિરોધ વંટોળ પ્રભાસની ફિલ્મમાં કાલ્પનિક સંવાદથી ઇતિહાસ સાથે છેડછાડના આક્ષેપો, સોશિયલ મીડિયા પર વિરોધ વધ્યો હનુ રાઘવપુડી દિગ્દર્શિત પ્રભાસની નવી પીરિયડ એક્શન ફિલ્મ ‘ફૌજી’નું ટીઝર રિલીઝ થતાં જ ચર્ચા અને વિવાદમાં ઘેરાઈ ગયું છે. ફિલ્મમાં પ્રભાસના પાત્રના પરિચય માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને એડોલ્ફ હિટલર વચ્ચે કાલ્પનિક સંવાદ દર્શાવવામાં આવ્યો છે, જેનાથી કેટલાક પ્રશંસકો ઉત્સાહિત થયા પણ ઐતિહાસીક વ્યક્તિત્વના આવા ઉપયોગ સામે ભારે વિરોધ સર્જાયો છે.આ ફિલ્મ ૧૯૩૦ અને ૧૯૪૦ના દાયકાની સ્વતંત્રતા લડતની પૃષ્ઠભૂમિ પર આધારીત છે. ટીઝરમાં પ્રભાસને આઝાદ હિંદ ફોજ સાથે જાેડાયેલા જાસૂસ તરીકે રજૂ કરાયો છે, જેના પરાક્રમોની તુલના નાઝીઓના એનિગ્મા સાથે થતા વિવાદ વધ્યો છે. ટીકાકારોનું માનવું છે કે હીરોને મહત્વ આપવા માટે વાસ્તવિક રાજકીય ઈતિહાસ અને ગંભીર ક્ષણો સાથે બિનજરૂરી રીતે સિનેમેટીક છેડછાડ કરવામાં આવી છે.મૈત્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જેમાં ઈમાનવી, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો પણ સામેલ છે. ‘સાલાર’ અને ‘કલ્કી ૨૮૯૮ એડી’ જેવી સફળ ફિલ્મો પછી પ્રભાસની આ ઐતિહાસીક પટકથા ધરાવતી ફિલ્મ પર ભારે અપેક્ષાઓ છે.




