
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મ.ન.પા મા આજ રોજ અધિકારી વર્ગ અને ટેકનિકલ કલાર્ક વિગેરેની જગ્યા ભરવા માટે જે જાહેરત બહાર પાડેલ છે તે બદલ સુરત મ.ન.પા ના કમિશ્નર નાગરાજન ને ખૂબખૂબ અભિનંદન. સુરત મ.ન.પા માં આશરે ૦૯ વર્ષ કરતાં વધુ સમયથી સફાઈ કામદાર, બેલદાર, કલાર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ, ડ્રાઈવર, સ્ટાફ નર્સ,જુનિયર ફાર્માસીસ્ટ, મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ, માર્શલ (વોચ એન્ડ વોર્ડ), ટાઉન પ્લાનર, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ ઇજનેર, લેબોરેટરી ટેક્નિશિયન, ઝૂકીપર વિગેરે ની જગ્યાઓ ખાલી હોવા છતાં લાંબા સમયથી ભરતી કરવામાં આવતી ન હતી. સુરત મહાનગરપાલિકા આ જગ્યાઓ ભરે તે માટે જાગૃતિ દાખવીને હવે કર્મચારીઓના હિતમા જાગૃત બનેલા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ધ્વારા સુરત મ.ન.પા ના કમિશ્નર, મેયર, અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી છતાં પથ્થર ઉપર પાણી એમ નઘરોળ શાસકો ધ્વારા આ બાબતની કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નહીં હોવાથી આખરે આ યુનિયન ધ્વારા તબક્કા વાર રજૂઆત કરવામાં આવેલ હતી.
જેમાં અનુક્રમે તા.૦૪/૦૭/૨૦૨૪, તા.૦૩/૦૧/૨૦૨૫, તા.૨૭/૧૧/૨૦૨૫, તા.૨૪/૧૨/૨૦૨૫ ના રોજ લેખિત –મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જાણે કે સુરત મ.ન.પા ના મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન વિગેરે કર્મચારી/અધિકારીઓની ભરતી અટકાવી રાખી હોય તેમ તેઓની મુદત પૂરી થતાં જ ભરતીની જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. સુરત મ.ન.પા એ વર્ગ-૧, ૨, ૩, કલાર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ, ડ્રાઈવર, સ્ટાફ નર્સ,જુનિયર ફાર્માસીસ્ટ, મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ, માર્શલ (વોચ એન્ડ વોર્ડ), ટાઉન પ્લાનર, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ ઇજનેર, લેબોરેટરી ટેક્નિશિયન, ઝૂકીપર વિગેરેની જગ્યા ભરવા જાહેરાત આપવામાં આવેલ છે ત્યારે
સફાઈ કામદાર, બેલદારો ,આયા, વોર્ડબોય વિગેરે જગ્યાની ભરતી કરતાં કોણ અટકાવી રહ્યું છે? આ જગ્યા ની ભરતી કરવા તાત્કાલિક જાહેરાત બહાર પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
સુરત મ.ન.પા ના વિસ્તારમાં ઘણો જ વધારો થયેલ છે પરંતુ સફાઈ કામની અગત્યની કામગીરી કરતા સફાઈ કામદારો અને બેલદારો ની ૬૦૦૦ કરતા વધુ જગ્યાઓ ખાલી છે . વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ ના કર્મચારીઓની ૪૦૦૦ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. શહેરનો વિસ્તાર વધે તેમ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવો જોઈએ. વર્ષ ૨૦૨૨ માં સામાન્ય સભાએ ઠરાવ કરી ૧૫૦૦ જેટલી જગ્યાઓ સફાઈ કામદાર અને બેલદાર અને બીજા કર્મચારીઓ/અધિકારીઓ ની ભરતી કરવાનો ઠરાવ પસાર કરેલો. પરંતુ એ ઠરાવનો પણ આજદિન સુધી સમખાવા પુરતો પણ અમલ કરવામાં આવ્યો નથી. ચૂંટાયેલા કોર્પોરેટરો માત્ર અને માત્ર પોતાના કામોમાં રસ લેતાં હતાં. સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાકટ ના સફાઈ કામદારો, ડ્રાઈવરો, કોમ્પ્યુટર ઓપરેટર, અને નર્સિંગ સ્ટાફ ના જે પગારો
નક્કી કર્યા તેનાથી અડધો પગાર પણ કર્મચારીઓને કોન્ટ્રાકટર આપતા નથી. મ.ન.પા ના અધિકારીઓ અને પદાધિકારીઓની એ મજબૂરી રહી છે કે કોન્ટ્રાકટર ને પૂછી શકતા નથી. કર્મચારીઓ ના ઓછા પગાર અંગે રજૂઆત કરવામાં આવે તો અધિકારીઓ પદાધિકારીઓના મોઢા પડી જતાં અને કોન્ટ્રાકટરો થી ગભરાતા હોય તેમ વાત ને ટાળી દેતા. સુરત મહાનગરપાલિકાના ઈ.ચા.પર્સોનેલ ઓફિસર મધ્યસ્થ મહેકમ ના પત્ર નં. જીએડી/ઈએસટી/પી/યુ/૮૦, તા.૦૩/૦૮/૨૦૨૪ મુજબ કોમ્યુટર ઓપરેટર, ડ્રાઈવર,નર્સ, વોર્ડ બોય, આયા, સફાઈ કામદારો નો સુરત મ.ન.પા ધ્વારા ચૂકવાતો પગાર અનુક્રમે ૧૯૩૦૦/-,૧૯૦૮૦/-,૨૨૬૦૧/-,૧૯૫૦૫/-,૧૯૫૦૫/-,૧૯૫૦૫/- છે.
પરંતુ
કોન્ટ્રાકટર ધ્વારા ચૂકવાતો પગાર અનુક્રમે ૯૦૦૦/-,૯૦૦૦/-,૧૫૦૦૦/-,૯૦૦૦/-,૯૦૦૦/-,૯૦૦૦/- છે. આ અંગે યુનિયનો ધ્વારા વારંવાર આ શોષણ પધ્ધતિનો વિરોધ કરવા છતાં કર્મચારીઓનું આર્થિક શોષણ ચાલુ રહેલ છે અને કર્મચારીઓને જે રકમ મળે તેના કરતાં કોન્ટ્રાકટરો ને વધુ રકમ મળે છે. આ બધી હકીકત અધિકારીઓ અને પદાધિકારીઓ વાકેફ હોવા છતાં કોન્ટ્રાકટર સામે પગલાં લેવામાં નિષ્ફળ ગયેલ છે. ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, મહામંત્રી કાંતિભાઈ સોલંકી, અખિલ ભારતીય સફાઈ મજદૂર ના અધ્યક્ષ શશિકાંતભાઈ સોલંકી, સુરત મ્યુનિસિપલ એમ્પલોઈઝ (સ્ટાફ) ના પ્રમુખ મોહંમદ ઇકબાલ શેખ અને મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ વિગેરે એ સુરત મ.ન.પા ની તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે માંગણી કરી છે.




