આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને પ્રદેશ કિસાન સેલના પ્રમુખ પ્રવીણ રામે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતની જનતા માટે અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારે અછત અને
દુષ્કાળ જેવી વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના ‘દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬’ના નિયમો અનુસાર, જે વિસ્તારમાં ૧૦ ઇંચ કરતાં ઓછો વરસાદ થયો હોય અથવા સતત ૨૮ દિવસ સુધી વરસાદ ન પડ્યો હોય, તેને નિયમ અને નીતિ મુજબ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે. વર્તમાન સ્થિતિ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨ ઇંચ (સરેરાશના માત્ર ૬%), અને જામનગરમાં ૭.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, ગોધરા, કોટડા સાંગાણી, બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ છે અને ૨૮ દિવસ કરતાં વધુ સમયથી વરસાદ પડ્યો નથી. આમ, તમામ નિયમો અને માપદંડો પૂર્ણ થતા હોવા છતાં સરકાર આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી નથી. કૃષિમંત્રી અને દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી માત્ર વાતો કરે છે પરંતુ ખેડૂતોની સહાય માટે તેમની પાસે કોઈ નક્કર યોજના નથી.
’આપ’ ખેડૂત નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે આ પરિસ્થિતિને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીએ પ્રેસના માધ્યમથી ભાજપ સરકારને ૩ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો આગામી 29 તારીખે સવારે ૧૧:૦૦ વાગ્યે ખંભાળિયાની વાણિજ્ય કોલેજ બાજુના મેદાનમાં ઇસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ શરૂ કરવામાં આવશે. આ સત્યાગ્રહમાં ઇસુદાનભાઈ ગઢવી અનિશ્ચિત કાળના પ્રતીક ધરણા પર બેસશે. આ આંદોલનની મુખ્ય ૪ માંગણીઓ છે: (૧) ૧૦ ઇંચથી ઓછો વરસાદ ધરાવતા અને ૨૮ દિવસથી વરસાદ ન પડ્યો હોય તેવા દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, (૨) તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સિંચાઈનું પાણી પૂરું પાડવું, (૩) પશુપાલકો માટે ઘાસચારાની તંગી દૂર કરી તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવો, અને (૪) જ્યાં આવી વિષમ પરિસ્થિતિ છે ત્યાં ખેડૂતોના વીજબિલ માફ કરવા.
પ્રવીણ રામે જાહેરાત કરી કે તેઓ તથા પાર્ટીના તમામ નેતાઓ આ સત્યાગ્રહને સમર્થન આપશે. તેમણે દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કર્યું કે “જાગો ખેડૂતો જાગો, અને હવે ખંભાળિયા પહોંચીને હક માંગો.” તેમણે ખેડૂતોને પોતાની એકતા દર્શાવી ધરણામાં જોડાવા વિનંતી કરી અને સરકારને ચેતવણી આપી કે દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬ નો તુરંત અમલ કરવામાં આવે અથવા ખેડૂતોના આક્રોશનો સામનો કરવા તૈયાર રહે.





