આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમ ખાતે વિદ્યુત ઉત્પાદન કરતી મેલકો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી સ્થાનિક કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક નોકરી કરી રહ્યા છે. જેમાંથી અનેક વડીલ કર્મચારીઓની ઉંમર ૫૦ થી ૫૭ વર્ષ થઈ ચૂકી હોવા છતાં, તેમને લઘુત્તમ વેતન પેટે માત્ર ૧૭,૦૦૦ રૂપિયા જ આપવામાં આવે છે. તેમની પાસે વધારે જવાબદારી અને અનુભવ હોવા છતાં તેમના કૌશલ્ય (સ્કિલ) મુજબ હોદ્દો કે યોગ્ય વેતન આપવામાં આવતું નથી. બીજી તરફ, બહારની એજન્સીઓ દ્વારા લાવવામાં આવતા લોકોને ૫૦ હજારથી લઈ ૧ લાખ રૂપિયા સુધીનો અધધ પગાર આપવામાં આવે છે. આ અન્યાય સામે સ્થાનિક કર્મચારીઓએ અગાઉ પણ હડતાલ કરી હતી અને મંત્રીઓ સુધી રજૂઆતો કરી હતી, છતાં તંત્રએ કોઈ ધ્યાન આપ્યું ન હતું.
’આપ’ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૯ દિવસથી ૧૫૦ જેટલા કર્મચારીઓ પોતાની વ્યાજબી માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના નેતાઓએ એજન્સીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી સકારાત્મક ચર્ચા કરી હતી, જેના પરિણામે આજે આ હડતાલ સુખદ રીતે સમેટાઈ છે. એજન્સી દ્વારા કર્મચારીઓને હડતાલના ૯ દિવસનું ગેરહાજરીનું વેતન ચૂકવવા તેમજ પગાર વધારા સહિતની માંગણીઓ સંતોષવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. નિરંજન વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ માત્ર એક એજન્સીનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી કચેરીઓ, હોસ્પિટલો, શિક્ષણ, રેલ્વે અને બસ ડેપો સહિત તમામ ક્ષેત્રોનું ખાનગીકરણ (પ્રાઇવેટાઇઝેશન) કરી દેવાયું છે. આજે આસમાને પહોંચેલી મોંઘવારીમાં ૧૫ થી ૧૭ હજારના મામૂલી પગારમાં ઉચ્ચ ડિગ્રી ધરાવતા યુવાનો માટે પણ પરિવારનું ગુજરાન ચલાવવું કે બાળકોને સારું શિક્ષણ આપવું અશક્ય બની ગયું છે.





