
આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એકદમ સજ્જ છે અને સાથે સાથે જ બીજી અન્ય પાર્ટીના ઈમાનદાર અને પ્રજાની સેવા કરવાની ભાવના સાથે રાજનીતિમાં જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે અમદાવાદ ખાતે આ કડીમાં બીજા મહત્વપૂર્ણ નામો જોડાયા છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીની આગેવાનીમાં ખૂબ જ મોટું જોઈનિંગ થયું હતું. એનસીપીના અમદાવાદ શહેર મહામંત્રી દિપક સોલંકી (દાણીલીમડા વોર્ડ), અમદાવાદ શહેર મહામંત્રી કેતન કંસારા (મણિનગર વિધાનસભા), એનસીપી અમદાવાદના ઉપપ્રમુખ નિલેશ પટેલ (ગાંધીનગર દક્ષિણ વિધાનસભા), અમદાવાદના ઉપપ્રમુખ નૈલેશ સોલંકી (ગાંધીનગર દક્ષિણ વિધાનસભા) અને અમદાવાદ શહેર ઉપપ્રમુખ કર્ણિક ઠક્કર (ઇસનપુર – વટવા AC) આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAP પ્રદેશ મહામંત્રી સાગર રબારીના હસ્તે ખેસ પહેરીને આ તમામ આગેવાનો પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

હાલ NCPમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા તમામ આગેવાનો આમ આદમી પાર્ટીની અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હાલ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને સમર્થકોને પણ ભાગ લેવા તક મળી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. પ્રથમ તબક્કામાં જિલ્લા અને લોકસભા સ્તરે આગામી 10મી તારીખથી લઈને 15મી તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓ અને લોકસભા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની કમિટીઓ બેઠકો કરશે. તેમાં તમામ દાવેદારો, જેમણે ચૂંટણી લડવા માટે ઇચ્છા દર્શાવી છે, તેઓને મળવામાં આવશે અને સાથે સંગઠનના સાથીઓ સાથે ચર્ચા કરીને પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ સ્તરે પ્રદેશ ચૂંટણી કમિટી દ્વારા 16મીથી 18મી તારીખ વચ્ચે તમામ ઉમેદવારના નામો અને ચર્ચાઓ પર વિચાર કરવામાં આવશે. ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના નામ 20મી માર્ચ પછી જાહેર કરવામાં આવશે અને પાર્ટી તમામ સીટો પર મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.




