
કોંગ્રેસ સરકાર પાસેથી કામચલાઉ મુદત માંગી શકે છે કોંગ્રેસને દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય મુખ્યાલય, ૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પરથી ખાલી કરાવવાની નોટિસ મળી
કોંગ્રેસ અને ગાંધી પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસ પાર્ટીને દિલ્હીમાં તેના રાષ્ટ્રીય મુખ્યાલય, ૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પરથી ખાલી કરાવવાની નોટિસ મળી છે. બંને જગ્યાઓ ખાલી કરવાની અંતિમ તારીખ ૨૮ માર્ચ નક્કી કરવામાં આવી છે.
૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પરની જગ્યા ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ, કોંગ્રેસ કાનૂની વિકલ્પો શોધી રહી હોવાનું કહેવાય છે. એક વરિષ્ઠ નેતાએ મીડિયાને આપેલી માહિતીમાં આ નોટિસ થોડા દિવસો પહેલા મળી હતી.
કોંગ્રેસના એક નેતાએ કહ્યું, અમે અમારી પાસે ઉપલબ્ધ કાનૂની વિકલ્પો શોધી રહ્યા છીએ, પરંતુ આ વખતે સરકાર ગયા વખત કરતાં વધુ આક્રમક છે.
કોંગ્રેસ આ જગ્યાઓ ખાલી કરવા માટે નોટિસ પર સરકાર પાસેથી કામચલાઉ મુદત પણ માંગી શકે છે. પાર્ટીની રણનીતિ એ છે કે આ દરમિયાન રાજ્યસભા દ્વારા એક વરિષ્ઠ નેતાને ગૃહમાં લાવવામાં આવે. જાે પાર્ટી આટલા મોટા બંગલા માટે લાયક નેતાને ચૂંટવામાં સફળ થાય છે, તો આ જગ્યાઓ ખાલી કરાવવાનું હાલ પૂરતું ટાળી શકાય છે.
વાસ્તવમાં, નિયમ એ છે કે કોઈપણ રાજકીય પક્ષને પોતાનું નવું મુખ્યાલય બનાવવા માટે જમીન મળ્યા પછી, તેણે તેના જૂના સરકારી બંગલા ખાલી કરવા પડશે. કોંગ્રેસને તેનું નવું મુખ્યાલય બનાવવા માટે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર જમીન આપવામાં આવી હતી. પરિણામે, એસ્ટેટ ડિરેક્ટોરેટે ઘણા સમય પહેલા ૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પર જગ્યાની ફાળવણી રદ કરી દીધી હતી.
કોંગ્રેસ દાયકાઓથી ૨૪ અકબર રોડ સાથે સંકળાયેલી છે. તેથી, જાે કોંગ્રેસને કોર્ટ તરફથી સ્ટે નહીં મળે અથવા સરકાર ૨૮ માર્ચ સુધીમાં રાહત નહીં આપે, તો પાર્ટીએ આ દાયકાઓ જૂના અને ઐતિહાસિક સ્થળો ખાલી કરવા પડશે.





