
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા ભારત પાસે ૬૦ દિવસનો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક, ગભરાશો નહીં દેશમાં પેટ્રોલિયમ અને એલપીજીની સપ્લાય સંપૂર્ણ સુરક્ષિત અને નિયંત્રણમાં છે, ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે એલપીજી પુરવઠામાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. દેશના તમામ રિટેલ ફ્યુઅલ આઉટલેટ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ક્યાંય પણ અછત નથી. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેક વીડિયો અને અફવાઓ પર ધ્યાન ન આપે. મંત્રાલયે આને “સંકલિત અને ઇરાદાપૂર્વકની મિસઇન્ફોર્મેશન કેમ્પેઈન” ગણાવ્યું છે, જે લોકોને ભડકાવવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે, ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર અને પાચમો સૌથી મોટો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો નિકાસકાર છે. ૧૫૦થી વધુ દેશોને ભારત રિફાઇન્ડ ફ્યુઅલ પુરું પાડે છે. દેશમાં ૧ લાખથી વધુ પેટ્રોલ પંપ સતત કાર્યરત છે અને કોઈ પણ પંપને સપ્લાય રેશન (નિયંત્રિત વિતરણ) કરવાનું કહેવામાં આવ્યું નથી.
વિશ્વના અન્ય ઘણા દેશોમાં પેટ્રોલની કિંમતો વધી રહી છે, રેશનિંગ (નિયંત્રિત વિતરણ) લાગુ કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરવામાં આવી છે. તેમ છતાં ભારતમાં આવી કોઈ જરૂરિયાત નથી. કેટલાક સ્થળોએ પેનિક બાયિંગના કારણે ભીડ જાેવા મળી તે માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ખોટા વીડિયોને કારણે હતી. તેમ છતાં તે તમામ પંપ પર બધા ગ્રાહકોને ફ્યુઅલ આપવામાં આવ્યું.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વિકટ સ્થિતિ છતાં ભારતને વિશ્વના ૪૧થી વધુ સપ્લાયર્સ પાસેથી વધુ ક્રૂડ ઓઇલ મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પુરતી માત્રામાં ક્રૂડ ઉપલબ્ધ છે અને દરેક રિફાઇનરી ૧૦૦%થી વધુ ક્ષમતાએ કામ કરી રહી છે. આગામી ૬૦ દિવસ માટે ક્રૂડ ઓઇલની સપ્લાય પહેલેથી જ સુરક્ષિત કરી લેવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં કુલ ૭૪ દિવસની રિઝર્વ ક્ષમતા છે અને હાલમાં આસપાસ ૬૦ દિવસનો વાસ્તવિક સ્ટોક (ક્રુડ, પ્રોડક્ટ્સ અને સ્ટ્રેટેજિક કેવર્ન સહિત) ઉપલબ્ધ છે. આ મધ્ય પૂર્વ સંકટના ૨૭મા દિવસે પણ દેશ પાસે લગભગ બે મહિનાનો સ્ટોક છે. આગામી બે મહિનાની ક્રૂડ ખરીદી પણ પહેલેથી સુરક્ષિત છે.
LPG કોઈ અછત નથી. LPG કંટ્રોલ ઓર્ડર પછી રિફાઇનરીઓમાં ઉત્પાદન ૪૦% વધારીને રોજિંદા ૫૦ હજાર મેટ્રિક ટન કરવામાં આવ્યું છે જે કુલ જરૂરિયાતના ૬૦%થી વધુ છે. આયાતની જરૂરિયાત માત્ર ૩૦ હજાર મેટ્રિક ટન રહી છે. અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી ૮૦૦ હજાર મેટ્રિક ટન LPG કાર્ગો પહેલેથી જ સુરક્ષિત છે અને આવી રહ્યા છે. રોજ ૫૦ લાખથી વધુ સિલિન્ડર્સ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. પેનિકના કારણે માંગ વધીને ૮૯ લાખ સુધી પહોંચી હતી, જે હવે સામાન્ય ૫૦ લાખ પર આવી ગઈ છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે PNG પ્રોત્સાહન આપવું એ LPG અછતને કારણે નહીં, પરંતુ તે સસ્તું, સ્વચ્છ અને સુરક્ષિત હોવાથી છે. આ પરિવર્તન ૨૦૧૪થી જ ચાલી રહ્યું છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સરકારી સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરે.
સરકારે LPG ગેસ અંગે પણ સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં એલપીજીની કોઈપણ અછત નથી. મંત્રાલયે એલપીજી પર નિયંત્રણ લાવવાના આદેશ આપ્યા બાદ ઘરેલુ રિફાઈનરી ઉત્પાદન ૪૦ ટકા વધારી દેવાયું છે. આનાથી દૈનિક એલપીજી ઉત્પાદન ૮૦ ટીએમટીની કુલ જરૂરિયાતના મુકાબલો ૫૦ ટીએમટી એટલે કે આપણી જરૂરીયાતનો ૬૦ ટકાથી વધુ થઈ ગયો છે. ઓઈલ કંપનીઓ દૈનિક ૫૦ લાખથી વધુ સિલિન્ડરની ડિલીવરી કરી રહી છે. ગ્રાહકોએ ગભરાઈને બુકિંગ કરાવતા સિલિન્ડરની માંગ ૮૯ લાખ સિલિન્ડર સુધી પહોંચી ગઈ હતી અને હવે તે ઘટીને ૫૦ લાખ સિલિન્ડર પર આવી ગઈ છે.





