
ઇમરજન્સી વોર્ડમાં હાલાકીની પરાકાષ્ઠા.નવસારી: સિવિલમાં ફરી વળ્યા ગટરના પાણી.હોસ્પિટલની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સીધા ઇમરજન્સી વોર્ડમાં ફરી વળ્યા છે.દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સીધા ઇમરજન્સી વોર્ડમાં ફરી વળ્યા છે.
નવસારી સિવિલના જે ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે, ત્યાં અત્યારે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે.
ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંદુ પાણી વોર્ડની અંદર સુધી ઘૂસી ગયું છે, જેના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ગંદકીને કારણે વોર્ડમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી ગંભીર બીમારી ફેલાવાનો પણ ખતરો ઊભો થયો છે.
વોર્ડમાં દાખલ દર્દીઓના બેડ સુધી પાણી પહોંચી જતાં તેમને અન્ય જગ્યાએ ખસેડવાની નોબત આવી છે. હોસ્પિટલનો સ્ટાફ પણ આ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યો છે. દર્દીઓના સગાઓનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનની સફાઈ કે સમારકામ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
આ આખી ઘટનાએ સિવિલ હોસ્પિટલના મેન્ટેનન્સ અને સ્વચ્છતા અભિયાનના મોટા-મોટા દાવાઓની પોલ ખોલી નાખી છે. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ જાે ગટરના પાણી ફરી વળતા હોય, તો સામાન્ય જનતા ક્યાં જાય? અત્યારે તો સોશિયલ મીડિયા પર આ ગંદકીના વીડિયો વાયરલ થતાં તંત્ર દોડતું થયું છે, પરંતુ કાયમી ઉકેલ ક્યારે આવશે તે જાેવું રહ્યું.





