
પ્રતિબંધ હોવા છતાં કુરિવાજથી હજારો મહિલાઓના અકુદરતી મોત થાય છે.દહેજને કારણે થતાં મૃત્યુ સમાજ પર ગંભીર કલંક : સુપ્રીમ કોર્ટ.દહેજને કારણે મૃત્યુ જેવા ખૂબ જ ગંભીર ગુનામાં હાઈકોર્ટે પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જાેઈતી હતી.દહેજના કારણે થતાં મૃત્યુને સમાજ માટે ગંભીર કલંક ગણાવી સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કાયદામાં દહેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતા આ સામાજિક કુરિવાજને કારણે હજારો મહિલાઓના અકુદરતી મોત થઈ રહ્યાં છે. દહેજ મૃત્યુ કેસમાં એક પુરુષના જામીન રદ કરતા ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને વિજય બિશ્નોઈની બનેલી ખંઠપીઠે અવલોકન કર્યું હતું કે આરોપીને જામીન પર મુક્ત કરવાનો પટણા હાઈકોર્ટનો આદેશ સંપૂર્ણપણે અયોગ્ય છે.
દહેજને કારણે મૃત્યુ જેવા ખૂબ જ ગંભીર ગુનામાં હાઈકોર્ટે પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જાેઈતી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે દહેજના કારણે થતાં મૃત્યુ ખરેખર ગંભીર સામાજિક દુષણ છે તથા માનવાધિકાર તથા ગૌરવના ભંગનું ઉદાહરણ છે. કાનૂની પ્રતિબંધ હોવા છતાં આ પ્રથા હજુ પણ હજારો મહિલાઓના અકુદરતી મૃત્યુનું કારણ બને છે. ઘણીવાર હત્યા દ્વારા અથવા વરરાજાના પરિવાર તરફથી પૈસા અથવા કિંમતી વસ્તુઓની લોભ-પ્રેરિત માંગણીઓને કારણે આત્મહત્યા તરફ દોરી જાય છે. દહેજથી થતું મોત સમાજ પર એક ગંભીર કલંક છે. સર્વાેચ્ચ અદાલતે કહ્યું હતું કે હાઇકોર્ટના આદેશમાં કોઈ વિશેષ ચર્ચા કરાઈ નથી અને માત્ર એ જ બાબત ધ્યાનમાં લેવામાં આવી હતી કે આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે અને અત્યાર સુધી માત્ર બે સાક્ષીઓની જ પૂછપરછ થઈ છે. હાઇકોર્ટે આ મામલાના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ, ખાસ કરીને મૃતકના શરીર પર ઇજાઓના નિશાન દર્શાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ગુનો થયાની ધારણાને નજરઅંદાજ કરી હતી. આરોપીની તરફથી રજૂ થયેલા વકીલે દલીલ કરી હતી કે આ કેસ આત્મહત્યાનો છે. મૃતકની માનસિક સ્થિતિ સારી ન હતી અને તેને ઇમારતના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ મામલામાં મહિલા ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪એ સાસરિયાના ઘરમાં શંકાસ્પદ સ્થિતિઓમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર બહાર અને અંદરની અનેક ઇજાઓ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મૃત્યુનું કારણ માથાની ઇજાને કારણે થયેલ હેમરેજ હતું.





