
દહેગામના ખેડુતો અને પશુપાલકો દ્વારા કડજોદરા મુકામે એક જનસંમેલન યોજાયું હતું, જેમાં દહેગામના ખેડુતો અને પશુપાલકોની એક જ માંગણી “વાદ નહીં, વિવાદ નહીં અને મધુર સિવાય વાત નહીં” ગુંજી ઊઠી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો તથા આગેવાનો હાજર રહ્યા હતા. ખેડૂતોને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોપાલ રાયે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ આંદોલન માત્ર દહેગામના લોકો પૂરતું સીમિત નથી, પરંતુ સાંબરકાંઠા, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના લોકોનું આંદોલન બની ગયું છે અને આખું ગુજરાત તેમના સમર્થનમાં ઉભું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દહેગામ હવે માત્ર એક સ્થળ નથી રહ્યું, પરંતુ ગુજરાતના વ્યાપક પરિવર્તનનું પ્રતિક બની રહ્યું છે. પશુપાલકો, ખેડૂતો, મહિલાઓ, વૃદ્ધો સહિત તમામ વર્ગો લાંબા સમયથી આ લડાઈ લડી રહ્યા છે, જ્યારે સરકારને ૩૩ વર્ષથી સત્તામાં હોવાનું અભિમાન છે અને તે આંદોલનને નબળું માની રહી છે. સાથે સાથે ડેરીના ડિરેક્ટરો પણ પોતાને અત્યંત શક્તિશાળી માની રહ્યા છે, પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ રહી છે અને રાજ્યમાં નવા પ્રકારનું આંદોલન ઊભું થઈ રહ્યું છે.
ગોપાલ રાયે આગળ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં વડોદરા નજીક સાબર ડેરી ખાતે ખેડૂતો પોતાની માંગ સાથે પહોંચ્યા ત્યારે સરકારે પોલીસ દ્વારા આંસુ ગેસના ગોળા ચલાવ્યા, જેમાં એક ખેડૂત શહીદ થયા, છતાં આંદોલન દબાયું નહીં. સેંકડો ખેડૂતો સામે કેસ નોંધાયા છતાં ખેડૂત અને પશુપાલકોએ એકઠા થઈ સરકારને પાછળ હટવા મજબૂર કરી દીધી હતી, અનેક સ્થળોએ લાઠીચાર્જ અને ધરપકડ છતાં લોકો ડર્યા નહીં અને હડદડમાં પણ ૮૫ લોકોને જેલમાં નાખવામાં આવ્યા, ત્યાં ૮૫ હજાર લોકો એકત્ર થયા, જે આંદોલનની શક્તિ દર્શાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે આ આંદોલન અટકવાનું નથી—ખેડૂતો અને આદિવાસીઓ બંનેના આંદોલનો સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહ્યા છે અને લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ખેડૂતો અને પશુપાલકોએ હવે દિશા બદલી છે અને ગુજરાત પરિવર્તનના મોરચે ઉભું છે. તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું કે જેમ જંગલમાં આગ માટે એક ચિનગારી પૂરતી હોય છે તેમ આ આંદોલન પણ વ્યાપક રૂપ લઈ શકે છે, તેથી તાત્કાલિક ડેરીના ચેરમેન સાથે બેઠક કરી નિર્ણય લેવો જોઈએ. દહેગામનું દૂધ યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં ન આવે તો આ આંદોલન સરકારની સત્તાને હચમચાવી શકે છે.





