
તાપીમાં રેન્જ અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં મારપીટના કારણે યુવાનનું મૃત્યુ થયુ છે ત્યારે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારની મુલાકાત લીધી હતી. આ તકે આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજની આ દુઃખની ઘડીમાં અમારે વધારે કંઈ બોલવાનું પણ નથી, પરંતુ એક જ વાત છે કે આપણાં સમાજના આગેવાનો તરીકે આપણને દુઃખ થાય છે કે આપણા વિસ્તારમાં, આપણા જ દીકરા ૨૧ વર્ષનો યુવાન રવિન્દ્રને નાની ભૂલને લીધે બહારના લોકોએ એટલો માર માર્યો કે અંતે તેનું મોત થઈ ગયું. આ ઘટના સુધી માનવહત્યા થઈ જાય, ત્યાં સુધી માર મારવામાં આવે, તો એ બાબત આપણાં બધાં માટે ખૂબ જ શરમજનક અને દુઃખદ છે. સમાજના આગેવાનો તરીકે આપણું માથું ઝૂકી જાય છે, કારણ કે સમાજ અમારી પાસેથી અપેક્ષા રાખે છે. અમે વિધાનસભામાં સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, સમાજની નાની-મોટી સમસ્યાઓને ઉઠાવીએ છીએ, પરંતુ આપણા જ વિસ્તારમાં આપણા જ દીકરાને જાતિગત દ્વેષથી આટલો માર મારવામાં આવે અને 2 લોકોને ઈજા થાય અને 1 છોકરો મરી જાય, તો એ અત્યંત દુઃખની બાબત છે. કદાચ અમે જંગલ અને પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો છીએ. આ જંગલ આદિવાસીઓએ આદિકાળથી સંભાળેલો છે. અંગ્રેજોએ સૌપ્રથમ વન સંરક્ષણ કાયદો ૧૮૦૦ થી ૧૯૦૦ વચ્ચે બનાવ્યો, તેમનો હેતુ લાકડું લઈ જવાનો હતો. ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ૧૯૨૭માં બન્યું. આ બધાથી પહેલાં આદિવાસીઓ જ જંગલોમાં રહેતા હતા. આદિવાસીઓની જમીનો, જંગલો, જળાશયો આ બધું ધીમે ધીમે લેવામાં આવ્યું અને લોકો વિસ્થાપિત થયા. છતાં, આ ઘટના અંગે સ્પષ્ટ કહી દઈએ કે જો કોઈ છોકરાની નાની-મોટી ભૂલ હોય તો કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ, કસ્ટડીમાં રાખવો જોઈએ, પરંતુ જે રીતે અમારા દીકરાઓને ફોરેસ્ટના લોકોને ઢોરમાર કર્યો છે, એ અમે ક્યારેય સહન નહીં કરીએ.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતુ કે આ બાબતે અમે પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ કહી રહ્યા છીએ કે જે પણ આગેવાનો નક્કી કરશે, એક દિવસ નક્કી કરીને અમે હજારોની સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા આવવાના છીએ. આજે જ બધાં ભાઈઓ નક્કી કરે કે કયા દિવસે જવાનું છે, કારણ કે માનવહત્યા, એટ્રોસિટી અને ગંભીર ગુનાઓ દાખલ થવા જોઈએ. સંડોવાયેલા ફોરેસ્ટર, બોડીગાર્ડ અને અન્ય તમામ કર્મચારીઓ સામે તાત્કાલિક FIR કરીને ધરપકડ કરવી જોઈએ અને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. જો આવું નહીં થાય તો અમે દિવસ નક્કી કરીને મોટી સંખ્યામાં આવીને વિરોધ કરીશું. અગાઉ ઉમરપાડામાં પણ આવી ઘટના બની હતી, જેમાં 36 લોકો સામે કેસ કરવામાં આવ્યો હતો અને તેમાં મહિલાઓ પણ હતી. 1 વ્યક્તિનું મોત થયું હતું. હવે અમે ચૂપ નહીં બેસીએ. કોઈના મનમાં એવું ન હોવું જોઈએ કે આદિવાસીઓ છે એટલે ભૂલી જશે. હવે આ સમય છે એકતા બતાવવાનો. આજે આપણા યુવાનને મારી નાખવામાં આવ્યો છે, કાલે બીજાને મારી નાખશે, એવું ચાલશે નહીં. હવે આપણે નક્કી કરવું પડશે કે કયા દિવસે પોલીસ સ્ટેશન પહોંચવાનું છે અને મોટી સંખ્યામાં જઈને એકતા બતાવવાની છે. FIR દાખલ થશે, આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવશે ત્યારે જ આપણા દીકરાને ન્યાય મળશે. હું ફરી એકવાર યુવાઓને સમર્થન આપું છું અને પીડિત પરિવારને આશ્વાસન આપું છું કે અમે તમારી સાથે છીએ. જ્યારે પણ સમાજને બોલાવવાનો રહેશે, ત્યારે આખો સમાજ સાથે ઊભો રહેશે અને આપણા દીકરાને ન્યાય અપાવીને જ શાંતિથી બેસીશું.





