
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અલગ અલગ સીટો થઈને ટોટલ 9,000થી પણ વધારે સીટો પર ચૂંટણીની જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણી માટે છેલ્લા છ મહિનાથી સતત ગ્રાઉન્ડ પર મહેનત કરી રહી છે, અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહી છે. જેના કારણે હવે ગુજરાતના લોકોને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે. આમ આદમી પાર્ટી હાલ એક વિકલ્પ બનીને ગુજરાતના લોકોનું આશાનું કિરણ બની છે. મને આનંદ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકદમ તૈયાર છે, સજ્જ છે અને તમામ મોરચા પર ભાજપને હરાવવા માટે તૈયાર છે.
વધુમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી ગુંડાગર્દીની સામે લોકોની લડાઈ છે, લૂંટની સામે લોકોની લડાઈ છે, ભાજપના અત્યાચાર સામે લોકોની લડાઈ છે. છેલ્લા 30 વર્ષથી ભાજપ શાસનમાં છે પરંતુ લોકોને પરેશાન કરવા, લૂંટવા અને તમામે તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર કર્યા સિવાય કોઈ કામ કર્યું નથી. ગુજરાતના લોકો આ વખતે ભાજપને સબક શીખવાડશે અને આમ આદમી પાર્ટીને સ્વીકારશે. આ વખતની ચૂંટણી સત્તાની સામે સામાન્ય માણસની લડાઈ છે. આમ આદમી પાર્ટી લોકોની લડાઈ લડવા જઈ રહી છે, સૌથી વધારે ગુજરાતની જનતાને અભિનંદન અને ગુજરાતના તમામ એવા લોકો જે ગુજરાતમાં વૈકલ્પિક અને ઈમાનદાર રાજનીતિના સમર્થક છે, એવા તમામ લોકોને અભિનંદન પાઠવું છું.





