
સુરત શહેરમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી સચિન GIDC ની હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ નગરી ગણાતા સુરત શહેરમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી ‘ગોપી નીટિંગ‘ નામની કાપડ બનાવતી કંપનીમાં લાગેલી આ આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આગ એટલી ભીષણ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જાેવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને જાેતા સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ‘ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ સચિન, ભેસ્તાન અને માન દરવાજા સહિતના વિવિધ ફાયર સ્ટેશનોથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આગ લાગવાની ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, ગોપી નીટિંગ કંપનીમાં કાપડના ઉત્પાદન દરમિયાન અચાનક આગ લાગી હતી. જાેકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈના ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
સચિન GIDC એ સુરતનું મોટું ઇન્ડસ્ટ્રિયલ હબ છે. અહીં વારંવાર લાગતી આગની ઘટનાઓને પગલે સ્થાનિક ઉદ્યોગકારો અને શ્રમિકોમાં ચિંતા જાેવા મળી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને વોટર કેનન દ્વારા આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસો ચાલુ છે. પોલીસ કાફલો પણ સુરક્ષાના ભાગરૂપે ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.





