
ઈરાનમાં ઘૂસી પોતાના દેશના પાઈલટને બચાવ્યો જેણે પાકિસ્તાનમાં જઈ લાદેનનો ઘડો લાડવો કર્યો, તેણે પાઈલટને બચાવ્યો ૨૦૧૧માં પાકિસ્તાનના એબટાબાદમાં તેના નાક નીચેથી ઓસામા બિન લાદેન પર ત્રાટકીને ખાતમો કર્યો હતો ઈરાન અને ઈઝરાયેલ અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં અમેરિકાએ એક મોટી સિદ્ધિ મેળવી. ઈરાને અમેરિકી વિમાન તોડી પાડતા તેનો પાઈલટને બચી તો ગયો પરંતુ ઈરાનમાં પહોંચી ગયો. હવે યુદ્ધના સમયે દુશ્મનની ધરતી પરથી પોતાના પાઈલટને જીવતો લાવવો એ અમરિકા માટે એક મોટો પડકાર બની ગયો હતો. કારણ કે ઈરાને પણ આ પાઈલટને જીવતો પકડવા માટે ખુબ ધમપછાડા કર્યા હતા. એટલે સુધી કે ઈનામ પણ જાહેર કર્યું હતું. આથી ઈરાનની સેના અને સ્થાનિકો આ પાઈલટને જીવતો પકડવા માટે ખુબ માથાપચ્ચી કરતા હતા. આ બધા વચ્ચે અમેરિકા ઈરાનમાં ઘૂસીને તેના પાઈલટને હેમખેમ પાછો લઈ આવ્યું એ કોઈ સિદ્ધિથી જરાય કમ નથી. કારણકે જાે આ પાઈલટને ઈરાને પકડી લીધો હોત તો અમેરિકાને ઈરાન સાથેની વાટાઘાટોમાં મુશ્કેલી પડત. હવે અમેરિકાએ આ કારનામું કઈ રીતે કર્યું અને તેને કોણે પાર પાડ્યું તે ખુબ સમજવા જેવું છે.
ઈરાને ૩ એપ્રિલના રોજ અમેરિકાનું એક F-15E ફાઈટર વિમાન તોડી પાડ્યું હતું. આ હુમલા બાદ પાઈલટ કોહગિલુયે અને બોયર અહમદના પહાડોમાં ઉતરી ગયો હતો. ઈરાને આ વાત જાહેર કર્યા બાદ ઈરાની ટીવીના રિપોર્ટમાં આ પાઈલટને પકડવા પર ઈનામ જાહેર કરાયું હતું. તે સમયે આ પાઈલટ ૭૦૦૦ ફૂટ ઊંચી પહાડીની તિરાડમાં છૂપાયેલો હતો. ઘાયલ પાઈલટ પાસે એક પિસ્તોલ અને એક એન્ક્રિપ્ટેડ બીકન હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશન વિશે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમે તેને બચાવી લીધો. છેલ્લા કેટલાક કલાકોમાં અમેરિકન સેનાએ આપણા ઉત્કૃષ્ટ અધિકારી કે જેઓ એક સન્માનિત કર્નલ પણ છે તેમને બચાવ્યા. સ્પેશિયલ ફોર્સે અમેરિકાના ઈતિહાસના સૌથી સાહસિક સર્ચ અને બચાવ અભિયાનોમાંથી એકને સફળતાપૂર્વક પાર પાડ્યું. તેમણે એમ પણ કહ્યું કે તે વ્યક્તિ સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે.
ઈરાનમાં ઘૂસીને પોતાના સાથીને બચાવીને લાવનારા યોદ્ધાઓમાં અમેરિકી ‘નેવી સીલ ટીમ ૬‘ જાેડાઈ હતી. અત્રે જણાવવાનું કે આ એ જ ટુકડી છે જેણે ૨૦૧૧માં ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને માર્યો હતો. ૨૦૧૧માં પાકિસ્તાનમાં એબટાબાદ મિશન માટે ફક્ત ૨૪ સીલ્સ અને બે સ્ટીલ્થ બ્લેક હોક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા. પરંતુ ૨૦૨૬માં એક વેપન્સ સિસ્ટમ ઓફિસર (WSO)ને બચાવવા માટે અમેરિકાએ આખો એક હવાઈ કાફલો મેદાનમાં ઉતાર્યો હતો.





