૧૨૧ કિલો સોનાના આભૂષણોની ભેટ તિરુપતિ બાલાજી મંદિરને મળશે અત્યાર સુધીનું સૌથી મોટું દાન અમેરિકામાં રહેતા અનામી ભક્તે ભગવાન વેંકટેશ્વર માટે તૈયાર કરાવ્યાં ૪૫ સોનાનાં ઘરેણાં; અંદાજિત કિંમત રૂ.૧૬૦ કરોડ આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરને ટૂંક સમયમાં અત્યાર સુધીનું સૌથી મોટું સોનાનું દાન મળવા જઈ રહ્યું છે. ભગવાન વેંકટેશ્વરમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અમેરિકામાં વસતા એક અનામી ભક્તે ભગવાનની મૂળ મૂર્તિ માટે ૧૨૧ કિલો વજનનાં સોનાનાં આભૂષણો તૈયાર કરાવ્યાં છે.
આ તમામ આભૂષણોની અંદાજિત કિંમત રૂ.૧૬૦ કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આગામી ૨૬ નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં ભક્ત દ્વારા આ આભૂષણો મંદિરને અર્પણ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભગવાન વેંકટેશ્વર પ્રત્યે વિશેષ શ્રદ્ધા ધરાવતા આ ભક્તે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમનો સંપર્ક કરીને ભગવાનને સોનાનાં આભૂષણો અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભક્તની આ ઈચ્છા સ્વીકારવામાં આવી છે. ભગવાનની મૂળ મૂર્તિ માટે કુલ ૪૫ અલગ-અલગ સોનાનાં આભૂષણો તૈયાર કરાવવામાં આવ્યાં છે. આ આભૂષણોમાં કુલ નવ સેટનો સમાવેશ થાય છે. તમામ ઘરેણાંનું કુલ વજન ૧૨૧ કિલો અને બજારકિંમત અંદાજે રૂ.૧૬૦ કરોડ આંકવામાં આવી છે.
અહેવાલો અનુસાર, આ તમામ કિંમતી આભૂષણો ચેન્નઈના એક મોટા જવેલર્સ પાસે ખાસ તૈયાર કરાવવામાં આવ્યાં છે. દાન આપનાર ભક્તની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. અમેરિકામાં વસતા આ ભક્તે ભગવાન બાલાજી પ્રત્યેની પોતાની શ્રદ્ધાના ભાગરૂપે આટલું મોટું દાન આપવાનો ર્નિણય કર્યો છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ તાજેતરમાં આ દાન અંગે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા એક ભક્તે ભગવાન બાલાજીની મૂળ મૂર્તિ માટે સોનાનાં આભૂષણો દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે ૨૬ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં આ આભૂષણો મંદિરને ઔપચારિક રીતે સોંપવામાં આવશે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિરના ઇતિહાસમાં સોનાનાં આભૂષણોનું આ અત્યાર સુધીનું સૌથી મોટું દાન બની શકે છે. ૧૨૧ કિલો સોનાનાં ૪૫ આભૂષણો ભગવાન વેંકટેશ્વરને અર્પણ થવાની આ ઘટના ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની રહેશે. આ ભવ્ય દાનને લઈને દેશ-વિદેશમાં વસતા બાલાજીના ભક્તોમાં પણ ઉત્સુકતા જાેવા મળી રહી છે.




