ધુરંધર બની બેસ્ટ ફિલ્મ દાદાસાહેબ ફાળકે એવોર્ડ્સમાં ટેલર સ્વિફ્ટનું પણ સન્માન રણવીર સિંહ શ્રેષ્ઠ અભિનેતા તો અનીત પડ્ડાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ; કાંતારા ચેપ્ટર-૧ને ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મનો ખિતાબ દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ ૨૦૨૬ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ભારતીય સિનેમા, સંગીત, ટેલિવિઝન અને ઓટીટી ક્ષેત્રની પ્રતિભાઓની સાથે આંતરરાષ્ટ્રીય કલાકારોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અમેરિકન પોપ સિંગર ટેલર સ્વિફ્ટને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યરના ખિતાબથી નવાજવામાં આવી છે. બીજી તરફ, ફિલ્મ ધુરંધરએ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતીને ખાસ ધ્યાન ખેંચ્યું છે.
ભારતીય સિનેમા કેટેગરીમાં ધુરંધરને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મના અભિનય બદલ રણવીર સિંહને શ્રેષ્ઠ અભિનેતા અને દિગ્દર્શન બદલ આદિત્ય ધરને બેસ્ટ ડિરેક્ટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. બીજી તરફ, ફિલ્મ સૈયારા માટે અનીત પડ્ડાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. જ્યારે કાંતારા ચેપ્ટર-૧ને ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ માટે ઋષભ શેટ્ટીને શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન મળ્યું છે.
સંગીત અને મનોરંજન ક્ષેત્રે પણ અનેક પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી છે. કરણ ઔજલાને આર્ટિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. જ્યારે સૈયારાના ટાઇટલ ટ્રેકને સોંગ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યું છે. શાશ્વત સચદેવને શ્રેષ્ઠ સંગીતકાર અને ફહીમ અબ્દુલ્લાને શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ઓટીટી ક્ષેત્રમાં ધ બેડ્સ ઓફ બોલીવુડને શ્રેષ્ઠ વેબ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવી છે. આ સિરીઝના દિગ્દર્શન બદલ આર્યન ખાનને શ્રેષ્ઠ વેબ સિરીઝ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. જ્યારે જાણીતા કોમેડિયન સમય રૈનાને કોમેડિયન ઓફ ધ યરના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ વર્ષની એવોર્ડ યાદીમાં આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માઇકલ બી. જાેર્ડન, જેસી બકલી અને પોલ થોમસ એન્ડરસનને વિવિધ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે. અવતાર: ફાયર એન્ડ એશને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
ટેલર સ્વિફ્ટને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હોવાની જાહેરાત બાદ ભારતીય ચાહકોમાં આશ્ચર્ય સાથે ચર્ચા શરૂ થઈ છે. જાેકે, એવોર્ડની જાહેરાતની અધિકૃતતા અંગે પણ કેટલાક લોકોએ સવાલો ઉઠાવ્યા છે. આમ, ૨૦૨૬ના દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ ભારતીય મનોરંજન જગતની સાથે વૈશ્વિક પ્રતિભાઓને લઈને પણ ચર્ચામાં આવ્યા છે.




