
ભારત સરકારે મહત્વનું નિવેદન આપ્યું રેસ્ક્યુ ઓપરેશન અત્યાર સુધી ૨૩૩૭ નાવિકો પરત ફર્યા છેલ્લા ૨૪ કલાકમાં જ ૭૫ નાવિકોની ઘરવાપસી થઈ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે મહત્વનું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલય અને શિપિંગ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય નાગરિકો અને જહાજાેની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અત્યાર સુધી હજારો નાવિકોને સફળતાપૂર્વક પરત લાવવામાં આવ્યા છે.
શિપિંગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે માહિતી આપી હતી કે, પર્સિયન ગલ્ફ વિસ્તારમાં તમામ ભારતીય નાવિકો હાલ સુરક્ષિત છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨,૩૩૭ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૭૫ નાવિકોની ઘરવાપસી થઈ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ દેશો પાસેથી તેલ ખરીદી રહ્યું છે. ૧.૪ અબજ લોકોની ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સંતુલિત રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજાેને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત અનેક દેશો સાથે સતત સંપર્કમાં છે.
સરકારે ખાતરી આપી છે કે, આંતરરાષ્ટ્રીય તણાવ હોવા છતાં દેશના તમામ બંદરો પર કામકાજ સંપૂર્ણપણે સામાન્ય રીતે ચાલી રહ્યું છે. કોઈ પણ બંદર પર ભીડ કે કામકાજમાં અવરોધના અહેવાલ નથી. આ દર્શાવે છે કે ભારતની દરિયાઈ વ્યવસ્થા મજબૂત છે અને સંકટ સમયે પણ સપ્લાય ચેઈન જાળવી રાખવા સક્ષમ છે.
સુરક્ષિત દરિયાઈ માર્ગોથી જહાજાેની અવરજવર સામાન્ય થાય તે માટે રાજદ્વારી સ્તરે મંત્રણા ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોઈ પણ ભારતીય જહાજ સાથે અનિચ્છનીય ઘટના બની નથી. તેલનો પુરવઠો ખોરવાય નહીં તે માટે નવા સ્ત્રોતોની શોધ ચાલુ છે.





