
સંજય રાઉતનું મોટું નિવેદન રાહુલ ગાંધીએ દેશની લોકશાહીને બચાવવા માટે એક મોટા આંદોલનનું શાનદાર નેતૃત્વ કર્યું તેઓ દેશના ખૂબ જ પ્રભાવશાળી નેતા છે અને તેમના જ નેતૃત્વમાં અમે ગઈકાલે એક મોટી લડાઈને જીતમાં ફેરવી
સંસદમાં મહિલા અનામત બિલને ૨/૩ બહુમતી ન મળવાના કારણે તે પાસ થઈ શક્યું નથી. આ મુદ્દે હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દિલ ખોલીને વખાણ કર્યા છે અને તેમને દેશના અત્યંત પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. રાઉતે આરોપ લગાવ્યો છે કે આ બિલ પાછળ મોદી સરકારનું સીમાંકન (મતવિસ્તારોની પુન:રચના) અંગેનું એક મોટું ષડયંત્ર હતું, જે હવે નિષ્ફળ ગયું છે. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના મહત્વ મુદ્દે પણ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.
સંસદમાં મહિલા અનામત બિલ પર થયેલી ચર્ચામાં રાહુલ ગાંધીએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે તેઓ આ બિલને અહીં જ હરાવી દેશે. આ નિવેદનને સમર્થન આપતા સંજય રાઉતે કહ્યું કે, “ગઈકાલે રાહુલ ગાંધીએ દેશની લોકશાહીને બચાવવા માટે એક મોટા આંદોલનનું શાનદાર નેતૃત્વ કર્યું. તેઓ દેશના ખૂબ જ પ્રભાવશાળી નેતા છે અને તેમના જ નેતૃત્વમાં અમે ગઈકાલે એક મોટી લડાઈને જીતમાં ફેરવી દીધી છે.”
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાઉતે આકરા શબ્દોમાં લખ્યું કે, “મહિલા અનામત બિલ એક રાજકીય ષડયંત્ર હતું, જે હવે નિષ્ફળ ગયું છે અને આ જ મોદી સરકારના પતનની શરૂઆત છે.” તેમણે આરોપ લગાવ્યો કે સરકાર મહિલા અનામતના બહાને સીમાંકન સાથે છેડછાડ કરીને બધી ચૂંટણીઓ જીતવા માંગતી હતી. ભાજપ પોતાની મરજી મુજબ રાજકીય નકશો બનાવવા માંગે છે. પરંતુ સંસદમાં તેમની આ યોજના ફ્લોપ ગઈ.
તેઓ પોતાની મરજી મુજબ લોકસભાની બેઠકો વધારી શક્યા નહીં અને તેમને બંધારણની સાચી તાકાતનો પરચો મળી ગયો. રાઉતે એમ પણ કહ્યું કે ભાજપ ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે ભાગલા પાડી રહી છે અને દક્ષિણના રાજ્યોને નબળા પાડીને અમુક જ રાજ્યોના હાથમાં દેશની રાજનીતિ સોંપવા માંગે છે.
પોતાની વાતને આગળ વધારતા તેમણે દાવો કર્યો કે, વડાપ્રધાનની ખુરશી હવે માત્ર ૧૬ સાંસદોની બહુમતી પર ટકી છે. જાે આ ૧૬ સાંસદો પણ ઓછા થાય, તો તેમણે પેકઅપ કરીને ઘરે જવાનો વારો આવશે. રાઉતે ખાતરીપૂર્વક કહ્યું કે, “આજની ઘટનાઓનો સીધો અર્થ એ છે કે મોદીનું પતન હવે નજીક છે, મારા શબ્દો યાદ રાખજાે. રાહુલ ગાંધીએ તે ૧૬ સાંસદોના ગળામાં ફાંસો ભેરવી દીધો છે.”
જ્યારે સંજય રાઉતને મરાઠી ભાષા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, “દરેક રાજ્યે પોતાની માતૃભાષા ફરજિયાત બનાવવી જ જાેઈએ. સરકાર અને RSS ની પણ એ જ નીતિ છે કે માતૃભાષાને પ્રાથમિકતા મળવી જાેઈએ, તો પછી આમાં ખોટું શું છે? મહારાષ્ટ્રની માતૃભાષા મરાઠી છે, તેથી અહીં કામ કરતા, ભણતા અને રોજીરોટી કમાતા તમામ લોકોને સ્થાનિક ભાષા આવડવી જ જાેઈએ.”





