
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી પાસેના સેમરીયા ગામના એક ખેતરમાં એક સાથે ૨૫ ગીધોના શબ મળી આવ્યા હતા. ગામવાળાઓએ એક કૂતરો વારંવાર બકરીઓ પર હુમલો કરતો હોવાથી એને મારવા માટે ઝેરી પેસ્ટીસાઇડસ મેળવેલા ભાત ખવડાવી દીધા હતા. ઝેરી ભાત ખાઈને કૂતરો મરી ગયો હતો.
જોકે મરેલા કુતરાને ખુલ્લા ખેતરમાં પડેલો જોઈને ગીધોનું ટોળું ત્યાં આવી પડયુ. ગામવાળાઓને પણ નવાઈ લાગી અને આટલા બધા ગીધો ને આસમાનમાંથી ઉતરી પડેલા જોઈને ખુશ થઈ ગયા હતા. જો કે આ ખુશી બહુ ટકી ન હોતી. કૂતરાનું માંસ ઝેરી દવાને કારણે ઝેરી થઈ ચૂક્યું હતું અને એ માંસ જેણે ખાધું એ ગીધો પર પણ ઝેરની અસર થોડીવારમાં થવા માંડી હતી. અને એક પછી એક લગભગ ૨૫ ગીધોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ વિસ્તાર દુધવા ટાઇગર રિઝર્વ ઝોનમાં આવે છે. તરત જ વન વિભાગની ટીમે આવીને મૃત ગીધ પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી આપ્યા હતા. હજી અન્ય પાંચ ગીધ બીમાર છે.





