
૨૧ વર્ષના આર્યનની પોલ ખુલતાં અધિકારીઓ ચોંક્યા NEET નાપાસ થયો અને સીધી બ્રિગેડિયરની વર્દી પહેરી! જ્યારે તેની ઓળખ અને ડોક્યુમેન્ટની તપાસ થઈ ત્યારે મામલો ખુલ્લો પડી ગયો : આર્યન અને તેના સાથીઓને કસ્ટડીમાં લેવાયા શાહજહાંપુરમાં એક એવી ઘટના બની છે, જેના વિશે સાંભળીને મોટા-મોટા અધિકારીઓથી લઈને શહેરવાસીઓ રીતસરના ચોંકી ગયા છે. અહીં ૨૧ વર્ષનો આર્યન વર્મા નામનો યુવક ભારતીય સેનાના બ્રિગેડિયર જેવી વર્દી પહેરીને, આગળ-પાછળ સુરક્ષાકર્મીઓ સાથે ટાટા હેરિયર ગાડીમાં ફરતો હતો. ગાડી પર ભારતીય સેનાનો ઝંડો લાગેલો હતો અને તેની સાથે કાળા કપડાંમાં બે કમાન્ડો પણ હતા. પહેલી નજરે કોઈને એવું લાગે કે કોઈ મોટા અધિકારી આવી રહ્યા છે. પણ જે સત્ય સામે આવ્યું, તે જાણીને મોટા-મોટા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
છેલ્લા બે મહિનાથી આ વિસ્તારમાં આ યુવકની ચર્ચા ચાલતી હતી. પૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોને તેની હરકતો શંકાસ્પદ લાગી. છેવટે આ માહિતી સેના હેડક્વાર્ટર સુધી પહોંચી અને કમાન્ડન્ટ કર્નલ જે.એસ. જગલાન અને પૂર્વ સૈનિકોએ એક સ્માર્ટ પ્લાન બનાવ્યો. તેઓ સીધી કાર્યવાહી કરવા માંગતા નહોતા. તેમણે યુવકને શહીદ સંગ્રહાલયમાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે આમંત્રણ આપ્યું.
કાર્યક્રમના દિવસે આર્યન પૂરા આત્મવિશ્વાસ સાથે પહોંચ્યો. તેની ગાડી, વર્દી અને સિક્યોરિટી જાેઈને હાજર લોકો પ્રભાવિત થઈ ગયા. પરંતુ પહેલેથી જ કેટલાક અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા હતા. જ્યારે તેની ઓળખ અને ડોક્યુમેન્ટની તપાસ શરૂ થઈ ત્યારે આખો મામલો ખુલ્લો પડી ગયો. આર્યન અને તેના સાથીઓને તરત જ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા.
તપાસ દરમિયાન આર્યન વર્માની પાસેથી નકલી બ્રિગેડિયર ઓળખપત્ર, એર પિસ્તોલ, આર્મીની અન્ય વસ્તુઓ અને ગાડી પર લાગેલા ફેક ચિહ્નો મળ્યા. તેની સાથેના બે યુવકો પોતાને NSG કમાન્ડો તરીકે રજૂ કરતા હતા અને ડ્રાઈવર પાસેથી સરકારી ઓળખપત્ર મળ્યું.
પૂછપરછમાં આર્યને કહ્યું કે તેનું સપનું સેનામાં ડોક્ટર બનવાનું હતું. તેણે NEET પરીક્ષા આપી પણ સફળ ન થયો. ઘરે આ વાત કહેવાની હિંમત નહોતી. તેની માતાને હૃદયની બીમારી હતી તેથી તેણે તેમને કહી દીધું કે તેની છદ્બિીઙ્ઘ હ્લર્ષ્ઠિીજ Armed Forces Medical College (AFMC)માં સીલેક્શન થઈ ગયું છે. આ જૂઠાણું છુપાવવા માટે તેણે ધીરે-ધીરે આર્મીની વર્દી, ગાડી પર ઝંડો અને અન્ય સામાન એકત્ર કરવાનું શરૂ કર્યું. તેણે નોઈડા અને ગુરુગ્રામમાંથી આ વસ્તુઓ મેળવી હોવાનો દાવો કર્યો છે. પોલીસ આ તમામ દાવાઓની વધુ તપાસ કરી રહી છે. આ મામલામાં ફરિયાદ નોંધાઈ ગઈ છે અને કાનૂની કાર્યવાહી ચાલુ છે.
આ મામલે સૌથી વધારે ચર્ચા આર્યનની ઉંમરને લઈને થઈ રહી છે. સામાન્ય રીતે સેનામાં બ્રિગેડિયરનું પદ સેનામા લાંબા અનુભવ અને વર્ષો સુધીની સેવા પછી મળે છે. આવી સ્થિતિમાં ૨૧ વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ બ્રિગેડિયરની વર્દી પહેરીને ફરતો હોય એ લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે.
CO સિટી પંકજ પંતના જણાવ્યા મુજબ, આર્યન વર્માની પૂછપરછ ચાલી રહી છે. તેની પાસેથી એક નકલી પિસ્તોલ અને અન્ય સામાન મળ્યો છે. તેના સાથે રહેલા બે સિક્યુરિટી ગાર્ડ અને એક ડ્રાઈવર પાસેથી પણ પૂછપરછ થઈ રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં ફરિયાદ મળી ગઈ છે. કેસ દાખલ કરીને જરૂરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આગળની તપાસમાં જે પણ તથ્યો સામે આવશે, તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.





