
તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા ‘તંત્રની ‘ઘોર’ બેદરકારી : સુરતમાં એક જ મતદાર પાંચ-પાંચ વાર ‘નોંધાયો’ સીસ્ટમનો લોચો કે અધિકારીઓની આળસ? અશોક ચૌધરીએ પાંચ વાર ફોર્મ ભર્યાં, પાંચેય વાર મંજૂર થઈ ગયા! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને ચૂંટણી શાખાની એક ગંભીર બેદરકારી સામે આવી છે. મગદલ્લા વોર્ડ નંબર ૨૨ની મતદારયાદીમાં એક જ વ્યક્તિનું નામ પાંચ અલગ-અલગ જગ્યાએ નોંધાયેલું જાેવા મળતા સમગ્ર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ERO કક્ષાએ થયેલી આ પાંચ ગણી ભૂલને સુધારવાને બદલે પાલિકાના અધિકારીઓએ પણ આંખ આડા કાન કરીને તેને યથાવત રાખી છે. પરિણામે, વોર્ડ નંબર ૨૨ની યાદીમાં અશોક ચૌધરીનું નામ પાંચ વાર ચમક્યું છે.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ અંધેર વહીવટ જાેવા મળ્યો છે. જે મતદારોએ ઘર બદલ્યા છે અને નવા વિસ્તારમાં નામ ટ્રાન્સફર કરાવ્યા છે, તેવા અનેક કિસ્સાઓમાં મતદારોને જૂના અને નવા બંને સરનામે મતદાન સ્લિપ મળી રહી છે. એટલે કે, એક જ મતદાર બે અલગ-અલગ વિસ્તારમાં મતદાન કરી શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે, જે મુક્ત અને ન્યાયી ચૂંટણી સામે મોટો પડકાર છે.આ મામલે મતદાર અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, “મેં સપ્ટેમ્બર ૨૦૨૫ થી નવેમ્બર દરમિયાન કુલ પાંચ વખત ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. મને એમ હતું કે અગાઉના ફોર્મમાં કદાચ ભૂલ હશે, પણ તંત્રએ પાંચેય ફોર્મ મંજૂર કરી દીધા! હવે જ્યારે પાંચેય વાર નામ આવ્યા છે ત્યારે મેં જાતે જ ૧૫મી માર્ચે વધારાની ચાર એન્ટ્રી રદ કરવા અરજી કરી દીધી છે.





