વીજકર્મીઓની હડતાળથી લાખો લોકો અંધારામાં હરિયાણામાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ કલાકો સુધી વીજપૂરવઠો ખોરવાયેલો રહેવાથી સામાન્ય જનજીવન ઠપ થતા લોકો રસ્તા પર ઉતર્યા હરિયાણામાં ખાનગીકરણના વિરોધમાં ૪૦,૦૦૦ જેટલા વીજ કર્મચારીઓ હડતાળ પર જતાં વીજકટોકટી સર્જાતા રાજ્યના ૨૩ જિલ્લામાં આઠથી ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયો હતો. રાજ્યમાં અનેક જિલ્લામાં ૪૦ કલાક સુધી વીજપુરવઠો ખોરવાઈ જતા ઘરો, ઓફિસો, ફેક્ટરીઓ ઠપ થઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક સ્થળો પર ટ્રાફિક જામ કરી ભારે હોબાળો મચાવતા સ્થિતિ કથળી હતી. અંતે બે દિવસે સફાળી જાગેલી સરકારે વીજ કર્મચારીઓ સાથે બેઠક કર્યા પછી તેમણે હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી હતી.હરિયાણામાં ગુરુગ્રામ અને નૂંહમાં ખાનગી કંપનીને વીજવિતરણનું લાઈસન્સ આપવા સાથે વીજક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં ૪૦ હજારથી વધુ વીજળી કર્મચારીઓની હડતાળથી અનેક જિલ્લામાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો, જેથી બે દિવસ સુધી વીજસંકટ સર્જાતા રાજ્યના અંદાજે ૧૦ લાખ જેટલા ઘરો, ઓફિસો અને ફેક્ટરીઓમાં અંધારપટ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.ગુરુગ્રામમાં ૪૦ કલાક સુધી ૫૦ ટકા ભાગમાં બ્લેકઆઉટની સ્થિતિ હતી. સ્માર્ટ સિટી ફરિદાબાદમાં પણ ૨૪ કલાક કરતાં વધુ સમય સુધી વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. ગુરુવારે પણ રાતે અનેક વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાયેલો રહ્યો હતો. ગુસ્સેભરાયેલા લોકોએ રસ્તા જામ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાે હતો. નૂહમાં ૨૪ કલાક કરતા વધુ સમય સુધી વીજળી બંધ રહી હતી. અનેક શહેરોમાં બુધવાર રાતે ૧૦ વાગ્યાથી જ વીજપૂરવઠો ખોરવાઈ જવાનું શરૂ થયું હતું. આમ છતાં જિલ્લા તંત્ર કે સરકાર જાગ્યા નહીં. આખી રાત અંધારામાં રહેવાની સાથે લોકોએ ગુરુવારે સવારે પાણીના સંકટનો પણ સામનો કરવો પડયો હતો. વીજસંકટના કારણે સ્કૂલો પણ બંધ રાખવી પડી હતી. હજારો ઘરો અને ઓફિસોમાં પાણી બંધ થઈ જવાથી લોકોએ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. વીજળી કર્મચારીઓએ હડતાળની જાહેરાત અગાઉથી કરેલી હોવા છતાં સરકારે અગાઉથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના કરતાં લોકોમાં ભારે ગુસ્સો જાેવા મળ્યો હતો.વીજળી સંકટના કારણે ઔદ્યોગિક ક્ષેત્રોને મોટો ફટકો પડયો હતો. અનેક ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન ઠપ થઈ ગયું હતું, જેથી તેમને આર્થિક નુકસાન થયું હતું. કામદારોના કામ પર પણ અસર થઈ હતી.બે દિવસ સુધી લોકોની ભારે હેરાનગતિ બાદ અંતે મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની સરકાર જાગી હતી અને તેમણે વીજકર્મચારીઓ સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને વીજળી મંત્રી અનિલ વીજે કર્મચારીઓ સાથે બે તબક્કાની બેઠક કરી હતી અને તેમને ખાનગી વીજકંપનીઓના લાઈસન્સ રદ કરવાનું આશ્વાસન આપતા કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેથી, વીજળી કર્મચારીઓ તાત્કાલિક નોકરી પર પાછા ફર્યા હતા. હવે ત્રણ નવેમ્બરે સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે ફરીથી બેઠક થશે.




