
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર.કેદારનાથ ધામમાં ૩ દિવસમાં ૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન.રાજ્ય સરકારે આ વખતે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે પહેલા કરતા વધુ વ્યાપક વ્યવસ્થાઓ કરી છે.હિમાલયનાી ગોદમાં વસેલા કેદારનાથ ધામમાં અત્યારે ભક્તિનું એવું પૂર ઉમટી રહ્યું છે જેવું કદાચ પહેલા ક્યારેય જાેવા મળ્યું નથી. કપાટ ખુલ્યાના માત્ર ૩ દિવસની અંદર આશરે ૧ લાખ ૧૦ હજાર શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. ‘ૐ નમ: શિવાય‘ ના જયઘોષથી ગુંજતું આ ધામ ફરી એકવાર આસ્થા અને આધ્યાત્મનું કેન્દ્ર બની ગયું છે.
ચારધામ યાત્રાની શરૂઆત સાથે જ કેદારનાથમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. દેશના ખૂણે-ખૂણેથી અને વિદેશથી પણ ભક્તો અહીં પહોંચી રહ્યા છે. રાજ્ય સરકારે આ વખતે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે પહેલા કરતા વધુ વ્યાપક વ્યવસ્થાઓ કરી છે. કેદાર સભાના અધ્યક્ષ રાજકુમાર તિવારીએ જણાવ્યું કે કેદારનાથજીના કપાટ ખુલ્યા બાદ હવે ભગવાન ભૈરવનાથના કપાટ પણ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ધામમાં આ સમયે વ્યવસ્થાઓ સંપૂર્ણપણે સુદ્રઢ છે અને કોઈ પણ શ્રદ્ધાળુ દર્શનથી વંચિત રહી રહ્યો નથી. મંદિરમાં ભીડને નિયંત્રિત રાખવા માટે ટોકન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, જેનાથી શ્રદ્ધાળુઓને લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર નથી પડી રહી અને દર્શન પણ ઝડપથી થઈ રહ્યા છે. રહેવા, ખાવા-પીવા અને દર્શન ત્રણેય મોરચે પ્રશાસનની તૈયારી પહેલા કરતા સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જાેકે આ ઉત્સાહ વચ્ચે એક ચિંતા પણ છે. કેદાર સભાના વરિષ્ઠ સભ્ય ઉમેશ ચંદ્ર પોસ્તીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કેદારનાથ ધામ વિશે જૂઠી અને ભ્રામક ખબરો ફેલાવી રહ્યા છે. આવી ખબરોથી શ્રદ્ધાળુઓમાં બિનજરૂરી ડર અને ભ્રમ પેદા થઈ રહ્યો છે.
તેમણે દેશ-વિદેશના તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી કે તેઓ કોઈ પણ આશંકા વગર કેદારનાથ આવે. મંદિર પ્રશાસન, જિલ્લા પ્રશાસન અને સ્થાનિક લોકો મળીને દિવસ-રાત વ્યવસ્થાઓમાં લાગેલા છે. કેદાર સભાના સભ્ય સંજય તિવારીએ પણ આ ભ્રામક ખબરોનું ખંડન કરતા કહ્યું કે ભૌગોલિક પરિસ્થિતિઓને જાેતા અહીં જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તે દરેક રીતે બહેતર છે. તેમણે કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધામની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવો અત્યંત નિંદનીય છે અને આવી હરકતો પર ધ્યાન આપવું જાેઈએ નહીં.
કેદારનાથ ધામની યાત્રા હંમેશા સરળ રહી નથી. ઊંચાઈ, ઠંડી અને કઠિન રસ્તો હોય છે, પરંતુ જે એકવાર બાબા કેદારના દર્શન કરી લે છે, તે આ બધી મુશ્કેલીઓ ભૂલી જાય છે. આ વખતે પ્રશાસનનો પ્રયાસ છે કે યાત્રા સુગમ અને સુરક્ષિત હોય તથા દરેક શ્રદ્ધાળુને દર્શનનો લાભ મળે.





