
દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે PM મોદીએ એશિયાના સૌથી લાંબા વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ ૧૨,૦૦૦ કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે
ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જાેડાવા જઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી મંગળવારે ૨૧૩ કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. ૧૨,૦૦૦ કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે.
ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન ધાર્મિક અને પર્યાવરણીય મુલાકાત પણ લેશે. વન્યજીવ કોરિડોર નિરીક્ષણ પણ તેઓ કરશે. વડાપ્રધાન સહારનપુર (UP) ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરની સમીક્ષા કરશે. સવારે ૧૧.૪૦ વાગ્યે દેહરાદૂન પાસે આવેલા પ્રસિદ્ધ જય મા દાત કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે દેહરાદૂન ખાતે એક ભવ્ય સમારોહમાં એક્સપ્રેસ-વે દેશને સમર્પિત કરશે.
આ પ્રોજેક્ટ માત્ર ગતિ જ નહીં, પરંતુ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે. દિલ્હીથી દેહરાદૂન પહોંચવામાં અત્યારે ૬ કલાક લાગે છે, જે ઘટીને હવે માત્ર ૨.૫ કલાક થઈ જશે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે આ કોરિડોરમાં અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ૧૦ ઇન્ટરચેન્જ, ૩ રેલવે ઓવર બ્રિજ (ROB), ૪ મોટા પુલ અને ૧૨ વે-સાઇડ સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ કોરિડોરની સૌથી મોટી વિશેષતા તેની ઈકો-ફ્રેન્ડલી ડિઝાઇન છે. રાજાજી નેશનલ પાર્ક અને આસપાસની જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે તે એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર બને છે. વન્યજીવોની અવરજવર માટે ૧૨ કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે. હાથીઓ માટે ૨૦૦ મીટર લાંબા બે ખાસ અન્ડરપાસ અને અન્ય પ્રાણીઓ માટે ૮ રસ્તાઓ બનાવ્યા છે. દાત કાલી મંદિર પાસે ૩૭૦ મીટર લાંબી આધુનિક સુરંગનું નિર્માણ કરાયું છે જેથી પહાડી પર્યાવરણને નુકસાન ન થાય.
આ એક્સપ્રેસ-વે શરૂ થવાથી હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જેવા પર્યટન સ્થળોએ પહોંચવું સરળ બનશે. તે માત્ર મુસાફરી જ નહીં, પણ સમગ્ર પ્રદેશમાં વેપાર અને વિકાસના નવા દ્વાર ખોલશે. પીએમઓના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ વડાપ્રધાનના નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝનને પ્રતિબિંબિત કરે છે.





