
ઈન્ડિગોની ફ્લાઈટમાં ગંભીર ઘટના બની ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવર બેન્ક બ્લાસ્ટ, ૫ મુસાફર થયા ઘાયલ પાવર બેન્ક મુસાફરના બેગમાં રાખવામાં આવી હતી અને તે અચાનક ગરમ થઈને ફાટી ગઈ હતી હૈદરાબાદથી ચંદીગઢ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ગંભીર ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ફ્લાઈટ નંબર ૬ઈ ૧૦૮માં એક મુસાફરનો પાવર બેન્ક બ્લાસ્ટ થવાથી અચાનક ધુમાડો ફેલાઈ ગયો અને બાદમાં આગ પણ લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન ચંદીગઢ એરપોર્ટ પર લેન્ડિંગ પ્રક્રિયામાં હતું.
પાવર બેન્ક મુસાફરના બેગમાં રાખવામાં આવી હતી અને તે અચાનક ગરમ થઈને ફાટી ગઈ હતી. ફ્લાઈટમાં ધુમાડો ફેલાતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. થોડા સમય માટે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી, પરંતુ એર હોસ્ટેસની ઝડપી કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટના બાદ તરત જ વિમાનને સુરક્ષાના હેતુથી ખાલી કરાવવામાં આવ્યું હતું. ઈન્ડિગો એરલાઈન દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ મુસાફરોને સલામત રીતે ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા છે. ત્યાં એરલાઈનની ટીમે મુસાફરોની મદદ કરી અને જરૂરી સુવિધાઓ પૂરી પાડી હતી.
એરલાઈનના અધિકારીઓએ જણાવ્યું કે વિમાનને ફરીથી સેવામાં મૂકતા પહેલા સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ ઘટનાએ એર ટ્રાવેલ દરમિયાન પાવર બેન્ક અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. વિમાન સુરક્ષા નિયમો મુજબ આવા ઉપકરણોની યોગ્ય ચકાસણી ખૂબ જરૂરી છે, જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.





