
પોસ્ટમાં લખી દિલની વાત પંજાબના ખેલાડીના અચાનક મોતથી ભાવુક થયો વિરાટ કોહલી કોહલીએ પંજાબના પૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલના અચાનક નિધન પર શોક વ્યક્ત કર્યો, બંને સાથે રમ્યા હતા ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ પંજાબના પૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેણે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કરતા લખ્યું કે, “અમનપ્રીત ગિલના નિધનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. તેના પરિવાર અને પ્રિયજનો માટે હું પ્રાર્થના કરું છું. તેઓની આત્માને શાંતિ મળે, ઓમ શાંતિ.” તમને જણાવી દઈએ કે, કોહલી અને અમનપ્રીત અંડર ૧૯ ક્રિકેટમાં એક સાથે રમી ચૂક્યા છે. એ જ કારણ છે કે, તેને અમનપ્રીતના અચાનક મોતથી આંચકો લાગ્યો છે.
પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ જૂની યાદો તાજી કરતા લખ્યું, “અમનપ્રીત સિંહ ગિલના નિધનથી ખૂબ જ દુખ થયું. શરૂઆતના દિવસોમાં અમે ડ્રેસિંગ રૂમ શેર કર્યો હતો. તેઓ એક શાંત અને સખત મહેનતુ ક્રિકેટર હતા જેમને રમત પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.”
અમનપ્રીત ગિલનો જન્મ ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૯માં પંજાબના ચંડીગઢ શહેરમાં થયો હતો. તે જમણા હાથના મધ્યમ ગતિના ફાસ્ટ બોલર અને બેટર હતા. ઘરેલુ ક્રિકેટ અને આઈપીએલમાં તે બોલર તરીકે ઘણા સફળ રહ્યા હતા. દેશ માટે તે અંડર ૧૯ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી પંજાબની ઘરેલુ મેચ સુધી પહોંચ્યા હતા. આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબે તેઓને પોતાની પ્રતિભા બતાવવાની તક આપી હતી. જાે કે, આશા અનુસાર પ્રદર્શન ન કરી શકતા તેઓને ડ્રોપ કરવામાં આવ્યા હતા.
અમનપ્રીત ગિલના ઘરેલુ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ છ મેચ રમવામાં સફળ રહ્યા. જ્યાં તેણે ૧૦ ઇનિંગમાં ૫૪.૭૨ની સરેરાશથી કુલ ૧૧ વિકેટ ઝડપી હતી. ૭૨ રન આપીને ચાર વિકેટ એક મેચની એક ઇનિંગમાં તેઓનું સવર્શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું. જાે તેની બેટિંગની વાત કરીએ તો તેણે સાત ઇનિંગમાં ૮.૪૦ની સરેરાશથી ૪૨ રન બનાવ્યા હતા.





