
CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત દિલ્હીમાં હવે અઠવાડિયામાં ૨ દિવસ “વર્ક ફ્રોમ હોમ” દર સોમવારે મંત્રીઓ અને અધિકારીઓ જાહેર પરિવહનનો ઉપયોગ કરશે : અધિકારીઓના પેટ્રોલ ક્વોટામાં ૨૦ ટકાનો કાપ મુકાયો
વધતા જતા ઇંધણના વપરાશને ઘટાડવા અને પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ દિલ્હીની રેખા ગુપ્તા સરકારે એક ક્રાંતિકારી ર્નિણય લીધો છે. સરકાર દ્વારા ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ (WFH) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સરકારી સ્તરે અઠવાડિયામાં બે દિવસ ૧૦૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. જાેકે, ઈમરજન્સી અને આવશ્યક સેવાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. દિલ્હી સરકારની ઓફિસો હવે સવારે ૧૦ થી સાંજના ૭.૩૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે, જ્યારે નિગમની ઓફિસો સવારે ૮.૩૦ થી સાંજના ૫.૩૦ સુધી ચાલશે. દર સોમવારે મંત્રીઓ અને અધિકારીઓ જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, અધિકારીઓના પેટ્રોલ ક્વોટામાં ૨૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.
સરકારે જાહેરાત કરી છે કે, ગ્રેડ ૧ થી ૮ ના કર્મચારીઓ જાે તેમના એલાઉન્સનો ૨૫ ટકા હિસ્સો જાહેર પરિવહન પાછળ ખર્ચશે, તો તેમને ૧૦ ટકા વધારાનું એલાઉન્સ આપવામાં આવશે. સાથે જ, કર્મચારીઓને ઘરથી મેટ્રો સ્ટેશન સુધી પહોંચાડવા માટે ૨૯ કોલોનીઓમાં ૫૮ સ્પેશિયલ બસો દોડાવવામાં આવશે.
આગામી એક વર્ષ સુધી કોઈ પણ મંત્રી કે અધિકારી વિદેશ પ્રવાસે જશે નહીં. સરકાર આગામી ૬ મહિના સુધી કોઈ પણ નવા વાહનની ખરીદી કરશે નહીં. યુનિવર્સિટીઓ, કોલેજાે અને કોર્ટને પણ વધુમાં વધુ કામગીરી ઓનલાઇન મોડમાં કરવા વિનંતી કરવામાં આવી છે. તમામ ઓફિસોમાં એસી (AC) નું તાપમાન ૨૪ થી ૨૬ ડિગ્રી રાખવામાં આવશે અને વીજળી બચાવવા માટે સેન્સર બેઝ્ડ સ્વિચ લગાવવામાં આવશે.
મુખ્યમંત્રીએ દિલ્હીની જનતાને નો વ્હીકલ ડે ઉજવવા અને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા વિનંતી કરી છે. આગામી ૯૦ દિવસ સુધી દિલ્હીમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં લોકોને ઇંધણ બચાવવા માટે શપથ લેવડાવવામાં આવશે.





