
ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો ૭/૧૨ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો સરકારે હવે તમામ પેટ્રોલ પંપ પર ગ્રાહકોની વિગત રાખવા માટે ફરજિયાત રજીસ્ટર મેઈન્ટેન કરવાનો પણ આદેશ આપ્યો
મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસરના પગલે રાજ્યમાં ઈંધણની કટોકટી ઊભી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જાેવા મળી રહી છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી રોકવાના બહાને એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ હવે ખેડૂતોને ખેતીકામ કે ટ્રેક્ટર માટે ડીઝલ ખરીદવા સરકારી પુરાવા રજૂ કરવા ફરજિયાત બનશે.મળતી માહિતી અનુસાર, ગુરૂવારે અન્ન પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, જાે કોઈ ખેડૂત પેટ્રોલપંપ પર ડીઝલ લેવા જશે, તો તેણે ૭-૧૨ ની નકલ, ૮(અ) ની નકલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી બુક જેવા દસ્તાવેજાે પુરાવા તરીકે દેખાડવા પડશે. આ પુરાવા રજૂ કર્યા બાદ પણ ખેડૂતને એકવારમાં વધુમાં વધુ માત્ર ૨૦૦ લિટર સુધી જ ડીઝલ મળી શકશે. જાેકે, હાલમાં પેટ્રોલ પંપ પર જે રીતે જથ્થો પહોંચી રહ્યો છે તે જાેતાં ખેડૂતોને આ નિયત મર્યાદા જેટલું ડીઝલ મળવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.રાજ્ય સરકાર એક તરફ એવો દાવો કરી રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓથી સાવધાન રહેવા તેમજ ન ગભરાવા અપીલ કરી રહી છે. પરંતુ બીજી તરફ, સરકારે છૂપી રીતે ઈંધણના વિતરણ પર મોટો કાપ મૂકી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.હાલમાં પેટ્રોલપંપો પર સામાન્ય વાહનો માટે પણ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, જેમાં ટુ-વ્હીલર માત્ર ૫૦થી ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ, કાર સહિતના ફોર-વ્હીલરમાં માત્ર ૧,૦૦૦ રૂપિયાનું ઇંધણ આપવામાં આવી રહ્યું છે.ઈંધણની આ કટોકટીની સૌથી માઠી અસર માલસામાનની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી રહી છે. ટ્રક ચાલકોના જણાવ્યા અનુસાર, હાલની પરિસ્થિતિમાં તેમને માત્ર ૨૦થી ૨૫ લિટર જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. લાંબા અંતરની સફર માટે ટ્રકોને કાર્યરત રાખવા ઓછામાં ઓછા ૨૦૦ થી ૩૦૦ લિટર ડીઝલની જરૂરિયાત હોય છે. જાે આ જ સ્થિતિ આગામી દિવસોમાં ચાલુ રહેશે, તો ગુજરાતનો આખો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આર્થિક મંદીના ગરતામાં ધકેલાઈ જશે તે નક્કી છે.સરકારે હવે તમામ પેટ્રોલ પંપ પર ગ્રાહકોની વિગત રાખવા માટે ફરજિયાત રજીસ્ટર મેઈન્ટેન કરવાનો પણ આદેશ આપ્યો છે. આ આકરા નિયમો અને જમીની હકીકત જાેતાં લોકમુખે ચર્ચા છે કે, જાે ખરેખર પુરતો જથ્થો છે તો સરકારે આવા નિયમો કેમ લાવવા પડ્યા? ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી જ પેટ્રોલપંપો પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગી ગયા છે, જેના કારણે ખેડૂતો ખેતીકામ છોડીને ડીઝલ માટે આમથી તેમ ભટકી રહ્યા છે. આ સ્થિતિ જાેતાં આગામી દિવસોમાં રેશનકાર્ડ સહિતના અન્ય પુરાવાઓ દ્વારા જ પેટ્રોલ-ડીઝલનું નિયંત્રિત વિતરણ (રેશનિંગ) થાય તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.





