
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો ર્નિણય.ખેડૂતો પેટ્રોલ પંપ પરથી એકસાથે ૨૦૦ લીટર સુધીનું ડીઝલ મેળવી શકશે.સરકારના અને પુરવઠા વિભાગના આ ર્નિણયથી ખેડૂતોનો કિંમતી સમય અને પેટ્રોલ પંપ સુધી જવા-આવવાનું ઈંધણ બંને બચશે.રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક ખૂબ જ મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી ખેડૂતો પોતાના ખેતીના કામકાજ માટે કોઈપણ પેટ્રોલ પંપ પરથી એકસાથે ૨૦૦ લીટર સુધીનું ડીઝલ સરળતાથી મેળવી શકશે. પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ખેતીકામ સરળ બનાવવાના હેતુથી આ ડીઝલ વિતરણની મર્યાદા સત્તાવાર રીતે નક્કી કરવામાં આવી છે. ખેતીની સિઝનમાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા અને પાણીના પંપસેટ માટે ડીઝલની વારંવાર અને મોટા જથ્થામાં જરૂર પડતી હોય છે. અત્યાર સુધી વારંવાર પેટ્રોલ પંપના ધક્કા ખાવા પડતા હતા, પણ હવે સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. નવા નિયમ મુજબ, ખેડૂતો હવે સીધા પોતાના ટ્રેક્ટર જેવા વાહનમાં અથવા તો સાથે લાવેલા કોઈ અલગ બેરલમાં ૨૦૦ લીટર સુધી ડીઝલ ભરાવી શકશે. સરકારના અને પુરવઠા વિભાગના આ ર્નિણયથી ખેડૂતોનો કિંમતી સમય અને પેટ્રોલ પંપ સુધી જવા-આવવાનું ઈંધણ બંને બચશે. અગાઉ મોટા જથ્થામાં ડીઝલ મેળવવામાં ખેડૂતોને જે હાલાકીનો સામનો કરવો પડતો હતો તે હવે દૂર થશે. આનાથી ખેતીના કામકાજ પણ ઝડપથી અને કોઈ જ અડચણ વગર પૂરા થઈ શકશે. પુરવઠા વિભાગની આ સ્પષ્ટતા બાદ રાજ્યભરના પેટ્રોલ પંપ સંચાલકોને પણ ખેડૂતોને નિયમો મુજબ ૨૦૦ લીટર ડીઝલ આપવાની મંજૂરી મળી ગઈ છે.
બીજી તરફ, સામાન્ય નાગરિકો માટે માઠા સમાચાર છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૨.૬૧ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૨.૭૧ રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાની પાર પહોંચી ગયો છે.





