
૨૬ વર્ષ બાદ ફરી બ્યુફોર્ટ કેસલ પર કબજાે મિડલ ઈસ્ટમાં યુદ્ધ: લેબેનોનમાં ઘૂસી ઈઝરાયલની મોટી સેના ઈઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબેનોનમાં પહાડની ટોચ પર આવેલા બ્યુફોર્ટ કેસલ પર કબજાે જમાવ્યો છે
દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં એક મોટો વળાંક આવ્યો છે. ઈઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબેનોનમાં પહાડની ટોચ પર આવેલા બ્યુફોર્ટ કેસલ (Beaufort castle) પર કબજાે જમાવ્યો છે. આ ઈઝરાયલની છેલ્લા ૨૬ વર્ષમાં લેબેનોન સરહદની અંદરની સૌથી મોટી ઘૂસણખોરી માનવામાં આવે છે. ક્રુસેડર યુગમાં નિર્મિત આ કિલ્લો દક્ષિણ લેબેનોનમાં ખૂબ જ વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે આ કિલ્લા પર ઈઝરાયલનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ૧૯૮૨થી ૨૦૦૦ સુધી પણ ઈઝરાયલી સેના આ કિલ્લા પર નિયંત્રણ ધરાવતી હતી.
ગંભીર આક્રમણ: આ કબજાે નાબાતીયેહ શહેર પાસેના વિસ્તારોમાં ઘણા દિવસોથી ચાલી રહેલી તીવ્ર લડાઈ અને હવાઈ હુમલાઓ બાદ થયો છે.
વ્યૂહનીતિ: ઈઝરાયલી સેનાનો હેતુ હિઝબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાનો અને ઈઝરાયલી નાગરિકો માટેના સીધા ખતરાને દૂર કરવાનો છે.
નવું યુદ્ધક્ષેત્ર: લિતાની નદી ઓળંગીને ઈઝરાયલી સેના હવે નાબાતીયેહ શહેરથી માત્ર ૫ કિમી દૂર છે અને ત્યાંના રહેવાસીઓને શહેર ખાલી કરવાના આદેશ આપ્યા છે.
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે વોશિંગ્ટનમાં ૨ જૂનથી ફરીથી રાજદ્વારી વાટાઘાટો યોજાવાની છે. તેમ છતાં, ઈઝરાયલનું આ આક્રમક પગલું એ સાબિત કરે છે કે તેઓ કોઈ પણ સમાધાન પહેલાં પોતાનું સૈન્ય પ્રભુત્વ સ્થાપિત કરવા માંગે છે.





