મુસાફરોમાં અફરાતફરી મિયામી એરપોર્ટ પર બે વિમાનોની વચ્ચે ટક્કર UPS નું બોઈંગ ૭૬૭ કાર્ગો વિમાન અને કોપા એરલાઈન્સનું બોઈંગ ૭૩૭ પેસેન્જર વિમાન અથડાયાં અમેરિકાના ફ્લોરિડા રાજ્યના મિયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે થયેલી ટક્કરથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ૧૪ નવેમ્બરની રાત્રે UPS નું બોઈંગ ૭૬૭ કાર્ગો વિમાન અને કોપા એરલાઈન્સનું બોઈંગ ૭૩૭ પેસેન્જર વિમાન એકબીજા સાથે અથડાયાં હતાં. આ ઘટનામાં બંને વિમાનોને નુકસાન પહોંચ્યું હતું. જાેકે, સદનસીબે કોઈ મુસાફર કે અન્ય વ્યક્તિને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. સ્થાનિક સમાચાર ચેનલ CBS ન્યૂઝના અહેવાલ અનુસાર, આ ઘટના રાત્રે આશરે ૯:૧૫ વાગ્યે બની હતી. બંને વિમાનો એક જ ટેક્સીવેના જંકશન પર એકસાથે આવી પહોંચતાં તેમની વચ્ચે ટક્કર થઈ હતી. મિયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કોમ્યુનિકેશન ડિરેક્ટર ગ્રેગ ચિને ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે UPS નું બોઈંગ ૭૬૭ કાર્ગો વિમાન અને કોપા એરલાઈન્સનું બોઈંગ ૭૩૭ પેસેન્જર વિમાન એક જ સમયે ટેક્સીવે પર આવી પહોંચ્યાં હતાં. પરિણામે બંને વિમાનો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન UPS ના કાર્ગો વિમાનનો આગળનો ભાગ કોપા એરલાઈન્સના વિમાનની પાંખ સાથે અથડાયો હતો. આ ઘટનામાં કાર્ગો વિમાનના આગળના ભાગને નુકસાન થયું હતું, જ્યારે કોપા એરલાઈન્સના વિમાનની પાંખને પણ ક્ષતિ પહોંચી હતી. અથડામણને કારણે પેસેન્જર વિમાનમાં સવાર મુસાફરોને જાેરદાર ઝટકો અનુભવાયો હતો. અચાનક બનેલી ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને એરપોર્ટ પર પણ દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો કોપા એરલાઈન્સના વિમાનમાં સવાર એક મુસાફરે રેકોર્ડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં UPS નું કાર્ગો વિમાન અને તેના આગળના ભાગમાં થયેલું નુકસાન જાેઈ શકાય છે. વીડિયોને લઈને લોકોમાં પણ ભારે ચર્ચા જાેવા મળી રહી છે. એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, UPS નું કાર્ગો વિમાન કોલંબિયાના બોગોટા જવા માટે રવાના થવાની તૈયારીમાં હતું, જ્યારે કોપા એરલાઈન્સની ફ્લાઇટ ૪૨૭ પનામાથી મિયામી આવી હતી. બંને વિમાનો વચ્ચેની ટક્કર છતાં એરપોર્ટની કામગીરી પર ખાસ અસર થઈ નહોતી. ઘટનાના થોડા કલાકો બાદ એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. જાેકે, એક જ ટેક્સીવે પર બે વિમાનો કેવી રીતે આવી પહોંચ્યાં તે અંગે એરપોર્ટની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.




