
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત સામેનો સૌથી મોટો પડકાર તેનો વિશાળ દરિયાકિનારો છે. તેથી આ લાંબા કિનારા પર કાર્યરત મોટી સંખ્યામાં નોંધાયેલા નાના જહાજો અને બોટો પર દેખરેખ રાખવા માટે એક મજબૂત તંત્ર સ્થાપિત કરવું અત્યંત જરૂરી છે. વ્યાપારી અને સુરક્ષા બંને દ્રષ્ટિકોણથી આ દરિયા કિનારો એક સંવેદનશીલ ક્ષેત્ર છે. આમ સરહદ પારની દાણચોરી ધ્વારા દેશભરમાં માદક દ્રવ્યોના નશાનું નેટવર્ક ફેલાવતી સંગઠિત સિન્ડીકેટ્સની આસપાસ સકંજો સખત કરવાની તાત્કાલિક જરૂર છે.
કારણ કે દેશમાં ગેરકાયદેસર માદક દ્રવ્યોનો વધતો જતો વેપલો એક ગંભીર સમસ્યા તરીકે ઊભરી આવ્યો છે. તેનો વ્યાપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દુષણ મોટા શહેરોથી દૂરના ગામડાઓ સુધી ફેલાયેલુ છે. બીજુ વિદેશથી જમીન અને દરિયાઈ માર્ગો બંને દ્વારા મોટા પાયે માદક દ્રવ્યોની દાણચોરી સતત ચાલુ છે. તાજેતરમાં કોસ્ટ ગાર્ડ અને ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS)એ એક સંયુક્ત કાર્યવાહીમાં આપણા કચ્છના મુન્દ્રા દરિયા કાંઠે એક જહાજમાંથી આશરે રૂપિયા 1150 કરોડના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે ત્યારે પ્રશ્ન એ છે કે ,વધુ ગુજરાત વધુ ને વધુ માદક દ્રવ્યોનું પરિવહન કેન્દ્ર કેમ બની રહ્યું છે?
છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સુરક્ષા દળો આવી ગેરકાયદેસર પ્રવૃતિઓનો સામનો કરવા માટે સતત કામગીરી ચલાવી રહ્યા છે. આટલા પ્રયાસો છતાં જો દરિયાઈ માર્ગો ધ્વારા માદક દ્રવ્યોની દાણચોરી પર કોઈ કાબૂ નથી, તો તેના મૂળ કારણો શું હોઈ શકે? આખરે, સુરક્ષા એજન્સીઓ દરિયાઈ માર્ગે આટલા મોટા જથ્થામાં માદક દ્રવ્યોની દાણચોરી અને દેશના વિવિધ ભાગોમાં તેનું વિતરણ કરવા માટે જવાબદાર મુખ્ય ગુનેગારોને કેમ પકડી શકતી નથી?
કેમકે એવું જણાઈ રહ્યું છે કે છેલ્લા પાંચેક વર્ષોથી જે રીતે ગુજરાતના દરિયાકાંઠે સતત કેફી દ્રવ્યો પકડાઈ રહ્યા છે તે બતાવે છે કે અહીંયા તેની હેરાફેરી સતત જારી છે. જ્યાં સુધી આ ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને ટોચથી લઈને તળિયા સુધી ઝેર (જડમૂળથી પકડવામાં) કરવામાં નહીં આવે ત્યાં સુધી આ મોતના સોદાગરો આપણા દેશને કેફી દ્રવ્યોના ઝેર (પોઈઝન) થી તબાહ કરતા રહેશે. દેશનો વિકાસ તો થતો જ રહેશે પણ દેશને વિનાશ તરફ દોરી રહેલા દુષ્ટ તત્વોને ઓળખીને તાત્કાલિક નાબૂદ કરવા બહુ જ જરૂરી છે.





