
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતમાં કોઈ અદ્રશ્ય શક્તિના ઇશારે માત્ર “હાથો” બનીને નાસિર નગરના મકાનોના ડિમોલિશનની કામગીરી કરવા ગયેલા સુરત મહાનગરપાલિકા અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના ઉચ્ચ અધિકારીઓ આ મામલે બરાબરના ભેરવાયા છે. અને આ ડિમોલેશનનો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચતા જ રાજ્ય સરકારે મામલાની ગંભીરતા જોઈને અત્યંત ગુપ્ત રાહે આખી ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. તેમજ મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત સુરત પોલીસના જ અધિકારીઓ આ શંકાના દાયરામાં હોવાથી સુરત પોલીસને આ સમગ્ર તપાસ પ્રક્રિયાથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવી છે.
આ સમગ્ર કૌભાંડની સત્ય હકીકત બહાર લાવવા માટે સુરત ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના આદેશ બાદ રેન્જ આઈજીની ટીમ અત્યંત ખાનગી રીતે સ્થાનિક સ્તરે ફોન કોલ્સ અને અન્ય માધ્યમો ધ્વારા ડિમોલિશન પાછળની સાચી હકીકત અને કાવતરાના પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ અંગેનો વિગતવાર ગુપ્ત રિપોર્ટ સીધો ગાંધીનગર ગૃહ વિભાગને સોંપવામાં આવશે. બીજી તરફ આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે હવે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ ઘટનાને ગરીબો વિરુધ્ધનું મોટુ ષડયંત્ર ગણાવીને રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ મામલે સરકારને ખુલ્લી ચેતવણી આપતા ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને જણાવ્યું છે
કે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરો. ઉપરાંત જે લોકો આ ષડયંત્ર માં સામેલ હોય એ તમામ ઉપર એફઆઇઆર કરો નહિતર ત્રણ દિવસ પછી પ્રદેશ કોંગ્રેસ સુરતના સ્થાનિકો ને સાથે રાખી ઉગ્ર આંદોલન કરાશે.
હાલ તો નવાનિયુક્ત થયેલા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા તાબડતોબ ગાંધીનગર પહોંચીને બંધ બારણે યોજાયેલી બેઠકમાં ડિમોલિશન અંગેની ચર્ચાઓ કરી રહ્યા હોવાનું પણ સૂત્રો એ જણાવ્યું હતું.





