
“મારા માટે ‘તુલો’ માત્ર એક વ્યવસાયિક પ્રોજેક્ટ નથી પંકજ ત્રિપાઠીએ હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા ‘તુલો’ વેન્ચર શરૂ કર્યું મધ્ય પ્રદેશના ચંદેરીમાં શૂટિંગ દરમિયાન લગભગ દરેક ઘરમાં મહિલાઓને હાથસાળ પર સાડીઓ અને કાપડ વણતાં જાેયાં હતાં : પંકજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એક્ટર પંકજ ત્રિપાઠીએ ભારતીય હેન્ડલૂમ પરંપરા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ શરૂ કરી છે. તેમણે‘તુલો’ નામનાં હેન્ડલૂમ વેન્ચરની જાહેરાત કરી છે, જેનો હેતુ દેશની સમૃદ્ધ વણાટ પરંપરાને જાળવી રાખવાનો અને કારીગરોને વધુ તકો ઉપલબ્ધ કરાવવાનો છે.‘તુલો’ નામ બંગાળી ભાષાના હેન્ડલૂમ કોટન માટે વપરાતા શબ્દ પરથી લેવામાં આવ્યું છે. આ વેન્ચર પંકજ ત્રિપાઠીએ તેમના લાંબા સમયના સ્ટાઇલિસ્ટ વિનીત ચૌહાણ સાથે મળીને શરૂ કર્યું છે. નોંધનીય છે કે તેઓ અગાઉ પણ ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય સાથે ખાદી અને સ્વદેશી કાપડને પ્રોત્સાહન આપતા અભિયાનોમાં જાેડાઈ ચૂક્યા છે.વેન્ચર વિશે વાત કરતા પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, “મારા માટે ‘તુલો’ માત્ર એક વ્યવસાયિક પ્રોજેક્ટ નથી, પરંતુ એક ભાવનાત્મક સફર છે. આ ભારતની ટેક્સટાઇલ પરંપરાને જીવંત રાખનારા અસંખ્ય કારીગરોને સમર્પિત કામ છે. વર્ષાે દરમિયાન ફિલ્મોનાં શૂટિંગ માટે દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરતી વખતે મને હેન્ડલૂમ કળાની સુંદરતા અને તેની પાછળની મહેનતને નજીકથી જાેવાની તક મળી હતી.”તેમણે યાદ કરતાં કહ્યું કે મધ્ય પ્રદેશના ચંદેરીમાં શૂટિંગ દરમિયાન લગભગ દરેક ઘરમાં મહિલાઓને હાથસાળ પર સાડીઓ અને કાપડ વણતાં જાેયાં હતાં. “તે માત્ર રોજગાર નહોતો, પરંતુ પેઢી દર પેઢી ચાલતી આવતી જીવનશૈલી હતી.” પંકજ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું કે વારાણસીની મુલાકાતો દરમિયાન પણ તેઓ વારંવાર વણકરોની વસાહતોમાં સમય વિતાવતા હતા. તેમણે કહ્યું, “જ્યારે મેં કારીગરોને સંપૂર્ણપણે હાથથી અદભૂત કાપડ તૈયાર કરતાં જાેયાં, ત્યારે તે જાદુ જેવો અનુભવ હતો. મશીનો અને મોટા પાયે ઉત્પાદનના આ યુગમાં પણ લોકો હાથથી કપડાં બનાવે છે, તે મને અદ્ભુત લાગ્યું. કદાચ ભારત જેટલી સમૃદ્ધ અને વૈવિધ્યસભર હેન્ડલૂમ પરંપરા દુનિયામાં બીજે ક્યાંય જાેવા મળતી નથી.” પંકજ ત્રિપાઠીના મતે હેન્ડલૂમ માત્ર કાપડ નથી, પરંતુ તે કથાઓ, સંસ્કૃતિ, સમુદાયો, ધીરજ અને માનવીય કૌશલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. “દરેક ડિઝાઇન એક વિસ્તારની ઓળખ છે, દરેક નમૂનો તેનાં ઇતિહાસની વાર્તા કહે છે અને દરેક વસ્ત્ર પાછળ એક કારીગરની મહેનત રહેલી છે. કમનસીબે, આપણી સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખતાં અનેક કારીગર સમુદાયો આજે પણ સંઘર્ષ કરી રહ્યાં છે.”





