
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે જુનાગઢ જિલ્લાના નવા નિયુક્ત કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેં જુનાગઢ અને વિસાવદર વિસ્તારના ખેડૂતોના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને ખેડૂતોને મળતી રિબેટ, એટલે કે શૂન્ય ટકા વ્યાજે મળતી લોન અંગેનો મુદ્દો રજૂ કર્યો હતો. અનેક ગામડાઓમાં ખેડૂતોને વર્ષ 2022-23, 2023-24 અને 2024-25ની રિબેટ હજુ સુધી મળી નથી. આ મુદ્દે અલગ-અલગ બેંકોના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બેંકના અધિકારીઓએ જે-જે ગામોમાં ખેડૂતોને રિબેટ મળી નથી, તે તમામ ફાઈલો મંજૂરી માટે મોકલવાની ખાતરી આપી છે. આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં વિવિધ વિષયોના પાઠ્યપુસ્તકો હજુ સુધી શાળાઓમાં પહોંચ્યા નથી. ખાસ કરીને માધ્યમિક શાળાઓના પુસ્તકો હજુ સુધી મળ્યા નથી. બાલવાટિકા અને ધોરણ 1થી 2ના પુસ્તકો પણ અનેક શાળાઓ અને તાલુકાઓમાં ઉપલબ્ધ નથી. આ મુદ્દે મેં બેઠકમાં કલેક્ટર અને શિક્ષણ વિભાગના અધિકારીઓને પ્રશ્ન કર્યો કે સરકાર ‘ભાર વગરનું ભણતર’ની વાત કરે છે, પરંતુ ‘પુસ્તક વગરનું ભણતર’ કેવી રીતે શક્ય છે? શાળાઓ ખુલ્યાને લગભગ એક મહિનો થઈ ગયો છે, તો વિદ્યાર્થીઓ શું ભણે છે અને કેવી રીતે ભણે છે? પુસ્તક વગર ચાલી રહેલા શિક્ષણના આ ગંભીર મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિસાવદર તાલુકાના અલગ-અલગ 14 ગામો, જેમાં પીયાવા, મૂડીયારાવણી, જાવલડી,જાંભુડી, રાજપરા સહિતના અનેક ગામોનો સમાવેશ થાય છે, ત્યાં શાથણી અને ભૂદાન હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલી જમીનોમાં પાછલી તારીખથી ‘અનામત જંગલ જમીન’ની નોંધ દાખલ કરવામાં આવી છે. આ નોંધના કારણે ખેડૂતોને પોતાની જમીન પર લોન સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળતો નથી. તેથી આ જમીનો પરથી ‘અનામત જંગલ જમીન’ની નોંધ દૂર કરવામાં આવે તે બાબતે પણ આજે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતુ કે હસનાપુર ગામ આઝાદી પછી હજુ સુધી સેટલમેન્ટમાં છે. હસનાપુર, જાંબુથાળા, શિરવાણિયા, સાદિયાવાવ અને અન્ય અનેક ગામો હજુ પણ સેટલમેન્ટ ગામ તરીકે ગણવામાં આવે છે. આ તમામ ગામોમાં ગ્રામ પંચાયત સ્થાપિત થાય અને ગામના લોકોને તેમના અધિકારો મળે તે બાબતે મેં સરકારમાં પણ રજૂઆત કરી હતી, વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી અને આજની મિટિંગમાં પણ રજૂઆત કરતાં તેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જૂનાગઢ-ભેસાણ રોડ જે બની રહ્યો છે તેમાં ડાયવર્ઝનનો પ્રશ્ન છે. ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તે બાબતે આજની મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. સહકારી મંડળીનો જે મહત્ત્વનો મુદ્દો છે, તેમાં ખૂબ સારું અને સકારાત્મક પરિણામ આ મિટિંગમાં જોવા મળ્યું છે. છોડવડી ગામના લગભગ દસેક ખેડૂતોને ‘નો ડ્યૂઝ’ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. વર્ષોથી ખેડૂતોના ખાતામાંથી પૈસા ઉપાડી લઈને બોજો નાખવામાં આવ્યો હતો. હવે તેમને બોજામુક્તિ પ્રમાણપત્ર આપવાની શરૂઆત થઈ છે. તે બાબતે સરકારી તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું. જો કે તેમાં ખૂબ વિલંબ થયો છે. રેશનિંગ અનાજની બાબતમાં પણ રજૂઆત કરવામાં આવી છે. ઘણી વખત અનાજ બારમી, વીસમી કે પચ્ચીસમી તારીખે ગામડાઓમાં પહોંચે છે, જે ખરેખર ખોટી બાબત છે. સમયસર અનાજ ગામના દુકાનદાર સુધી પહોંચે અને દુકાનદાર પણ સમયસર ગરીબ લોકો સુધી અનાજ પહોંચાડે તે બાબતે પણ આજે રજૂઆત કરવામાં આવી હતી. વિસાવદરના કાછિયા નાકાથી સાસણ સુધીનો જે જંગલનો રસ્તો છે, તે રસ્તાનું રિસરફેસિંગ કરીને નવો બનાવવામાં આવે અને નવો રસ્તો બને ત્યાં સુધી વર્ષમાં બે વખત તેનું મેન્ટેનન્સ કરવામાં આવે તે બાબતે પણ આજની મિટિંગમાં ચર્ચા થઈ હતી. વન વિભાગ અને આરએનપીના બંને અધિકારીઓએ આ બાબતની હકારાત્મક નોંધ લીધી છે. કાલાવડને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા બાબતે તથા મોટી મોણપરી, કરિયા, ચામકા અને અન્ય ગામોની જૂની પાણીની ટાંકીઓ તોડવા બાબતે પણ આજે ચર્ચા કરવામાં આવી હતી. રાવણીકુબા ગામના રેવન્યુ રેકોર્ડમાં હકપત્રક નંબર-6નું આખું રજિસ્ટર તલાટી મંત્રીએ વર્ષ 2006માં ગાયબ કરી દીધું હતું, સળગાવી દીધું હતું કે ફાડી નાખ્યું હતું તે સ્પષ્ટ નથી, પરંતુ તેના કારણે છેલ્લા વીસ વર્ષથી ગામના લોકો જમીન સંબંધિત પ્રશ્નોમાં ખૂબ હેરાન થઈ રહ્યા હતા. આજની મિટિંગમાં આ પ્રશ્નના નિરાકરણ તરફ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. જે નવસો જેટલી નોંધો ગુમ થઈ ગઈ હતી, તેમાંથી આશરે પાંચસો જેટલી નોંધો વિસાવદરના તાલુકા વહીવટી તંત્ર દ્વારા શોધી કાઢવામાં આવી છે. તે બાબતે પણ હું જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું. એકંદરે અનેક પ્રશ્નોના સકારાત્મક પરિણામો આજની આ મિટિંગમાં મળ્યા છે. તે બાબતે હું જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને તેના તમામ સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું.





