
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ અને બિલ્ડરોની અદ્રશ્ય સાંઠગાંઠ થી સુરતના વેડ દરવાજા ખાતે આવેલા નાસિર નગરમાં તારીખ 30 મે ના રોજ થયેલા રહસ્યમય ડિમોલિશનને આજે પુરા ૨૦ દિવસ થયા છતાં કોઈ નક્કર કારણ,તારણ કરી જવાબદારો ઉપર આજદિન સુધી પગલાં ભરવામાં આવ્યા નથી. એનાથી અસરગ્રસ્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે બીજી બાજુ સત્તાધારી પક્ષ ભાજપના કાર્યકરો સાથે મળીને બિલ્ડરના માણસો રૂપિયા બે થી ત્રણ લાખમાં પતાવટ કરીને કાગળો ઉપર સહી સિક્કા કરાવવા રીતસર ધાકધમકી આપી ધમપછાડા કરી રહ્યા હોવાનું બહાર આવતા આખા ખેલમા અસરગ્રસ્તોને પડતા પર પાટુ મારવા જેવો ઘાટ થઈ રહ્યો છે.
જ્યારે ચોમાસાની શરૂઆતમાં જ ઘર વિહોણા બનેલા આ અસરગ્રસ્તોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને બિલ્ડર લોબી અને કેટલાક સ્થાપિત હિતો આ સમગ્ર કૌભાંડ પર પડદો પાડવા માટે સક્રિય બન્યા છે. અને ગરીબ પરિવારોને ધાક-ધમકી આપીને એક વિવાદાસ્પદ “બાંહેધરી પત્ર” પર સહીઓ અને અંગુઠા કરાવવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આવા આક્ષેપો મુજબ આ વિસ્તારમાં સક્રિય અને સતત વિવાદોમાં રહેતા ભાજપના લઘુમતી મોરચાના એક સ્થાનિક નેતાના ખાસ માણસો હાલમાં મેદાનના ઉતર્યા છે.
આ બંને શખ્સો ધ્વારા બિલ્ડર વતી વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યા છે અને અસરગ્રસ્ત ગરીબ પરિવારો પર રાત્રિના સમયે અથવા એકલતાનો લાભ લઈને લોકોને ધમકાવી રહ્યા છે કે જો તેઓ આપેલા કાગળો પર સહી સિક્કા કે અંગૂઠા નહીં કરે તો તેમને ભવિષ્યમાં એક રૂપિયો પણ નહીં મળે કે રહેવા માટે આવાસ પણ ફાળવવામાં આવશે નહીં. આવી ખુલ્લી ધમકી આપી સતત માનસિક દબાણ કરવાને કારણે ગભરાયેલા કેટલાક પરિવારોએ મજબૂરીવશ સહીઓ કરી દીધી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
જ્યારે જે બાંહેધરી પત્ર (અંડરટેકિંગ) વાયરલ થઈ રહ્યો છે તેમાં લખાયેલી વિગતો વાંચીને કાનૂની નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ એમાં લખાયેલું છે “હમો સુરત મહાનગરપાલિકાના 40 ફૂટના ટી.પી રોડ નાસીર નગર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરતા હતા. આ જગ્યા અમારી માલિકીની ન હોવાથી અમો રાજીખુશીથી અને સ્વેચ્છાએ આ બાંધકામ કે દબાણ દૂર કરીને જગ્યા મહાનગરપાલિકાને સોંપી દીધી છે.”
આ રીતે આ પત્ર જે વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે, કારણ કે લોકોના ઘર જબરદસ્તીથી તોડી પડાયા હતા (જેનો વિડીયો પણ છે) જ્યારે કાગળ પર તેને “સ્વૈચ્છીક ખાલી કરાયેલું દર્શાવવાનો ભયાનક કારસો ઘડાયો છે. આ રીતે પીડીતોના તમામ કાયદાકીય અધિકારો છીનવી લેવાની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને સાથે એમ પણ લખાવાયું છે કે આ જગ્યા ખાલી કરવામાં અમારા પર કોઈ પણ ઈસમો કે તંત્ર તરફથી કોઈ દાબ-દબાણ કરવામાં આવ્યું નથી. અને અમે કે અમારા વાલી-વારસો ભવિષ્યમાં આ બાબતે કાયદાકીય ફરિયાદ કે કોર્ટ કચેરી કરીશું નહીં અને કરીશું તો આ બાંહેધરી પત્રથી તે આપો આપ રદબાતલ ગણાશે.
આમ બિલ્ડરની સાથે જોડાયેલા પોતાની જાતને કાયદાના સંકજામાંથી બચાવવા માટે પીડિતો પાસે જ કાયદાકીય હથિયાર તૈયાર કરાવી અસરગ્રસ્તોના જ ગળામાં ગાળીયો નાંખીને પોતાનો ખેલ પૂરો કરવાની વેતરણમાં છે ત્યારે જોવાનું એ છે કે ગરીબોનો બેલી કોણ થાય છે?





