
હવામાન વિભાગે કરી દીધી મોટી આગાહી ૨૩ જૂનની આસપાસ હવામાનમાં મોટો ફેરફાર જાેવા મળી શકે છે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થઈને અનેક રાજ્યોમાં આગળ વધી શકે છે : ચોમાસું સામાન્ય કરતાં થોડું ધીમું છે
જૂન મહિનાનું ત્રીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, છતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ પોતાની રફ્તાર પકડી શક્યું નથી. આ કારણે દેશના અનેક વિસ્તારોમાં હવામાન વિચિત્ર બની ગયું છે. ક્યાંક વાદળછાયું આકાશ છે પણ વરસાદ નથી, ક્યાંક તોફાન આવે છે પણ ગરમી ઓછી થતી નથી અને ક્યાંક ચોમાસું પહોંચી ગયું છે તો ક્યાંક લોકો હજુ પ્રથમ સારા વરસાદની રાહ જાેઈ રહ્યા છે.
હવામાન વિભાગ (IMD)ની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી કેટલાક દિવસો સુધી દેશમાં ગરમી અને વરસાદનું મિશ્રિત વાતાવરણ જાેવા મળશે. તેમ છતાં રાહતની વાત એ છે કે ૨૩ જૂનની આસપાસ હવામાનમાં મોટો ફેરફાર જાેવા મળી શકે છે અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થઈને અનેક રાજ્યોમાં આગળ વધી શકે છે.
કેમ ધીમું છે ચોમાસું? – હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું સામાન્ય કરતાં થોડું ધીમું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ નબળી હોવાને કારણે આવું થઈ રહ્યું છે. તેમ છતાં ૧૯ રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ, ગાજ-વીજ અને ભારે પવનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ૫૦થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આનાથી એક તરફ લોકોને ગરમીમાંથી કેટલીક રાહત મળશે, તો બીજી તરફ આકાશી વીજળી અને તોફાનનો ખતરો પણ વધશે. ખેડૂતો, પ્રવાસીઓ અને સમુદ્રી વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
વિવિધ રાજ્યોમાં સ્થિતિ – દેશભરમાં હવામાનનો આ ફેરફાર માત્ર સ્થાનિક નથી. ચોમાસાની વર્તમાન સ્થિતિની અસર ખેતી, જળસંગ્રહ અને વીજળીની માંગ પર પણ પડી રહી છે. બિહાર, ઝારખંડ અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં હજુ સારા વરસાદની રાહ જાેવાઈ રહી છે, જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં સતત વરસાદે પૂર જેવી સ્થિતિની આશંકા વધારી દીધી છે. બીજી તરફ રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ગરમ હવાઓ અને ભારે આંધીની અસર ચાલુ છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી ચારથી પાંચ દિવસમાં પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, ૨૩ જૂનની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે. આ તારીખને હવામાન વૈજ્ઞાનિકો ખૂબ જ મહત્વની માની રહ્યા છે. જાે ચોમાસાની ગતિ વધશે તો જૂનના અંતિમ અઠવાડિયામાં ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પણ વરસાદની ગતિવિધિઓ તેજ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૦થી ૨૨ જૂન વચ્ચે રાજધાનીમાં વાવાઝોડા અને ભારે ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આનાથી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી શકે છે. તેમ છતાં તાપમાન હજુ પણ ૩૭થી ૩૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહેશે. ૨૩ જૂન પછી જાે ચોમાસાની ગતિવિધિઓ વધશે તો દિલ્હીમાં પણ વરસાદની સંભાવના મજબૂત બની શકે છે.
બિહારમાં ૨૩ જૂનથી ચોમાસું દમ દેખાડશે – બિહાર માટે આગામી કેટલાક દિવસો અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે. હાલમાં પટણા, ગયા, નાલંદા, ભાગલપુર, મુંગેર અને પશ્ચિમ ચંપારણ સહિત અનેક જિલ્લાઓમાં હીટવેવનું યેલો એલર્ટ જારી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, ૨૩ જૂનથી રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધશે. ૨૩થી ૨૫ જૂન વચ્ચે ગાજવીજ સાથે હળવો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.





