
એક ઈન્ટવ્યુમાં અભિનેત્રી શ્રીયા સરને કહ્યું.બ્યુટી ટ્રેન્ડના નામે કોઈની નકલ બનવાને બદલે પોતાની ઓળખ બનાવો.સાડી માત્ર એક કપડું નથી, પરંતુ તેમાં પરંપરા, કળા અને એક કલાકારની મહેનત છુપાયેલી હોય છે. દરેક સાડી પોતાની એક અલગ કહાની કહે છે.સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં દરરોજ નવા ફેશન અને બ્યુટી ટ્રેન્ડ્સ શરૂ થાય છે અને ઝડપથી બદલાઈ જાય છે, ત્યાં શ્રીયા સરન માને છે કે વ્યક્તિએ પોતાની આગવી ઓળખ ગુમાવવી ન જાેઈએ. તેનાં મતે ફેશનનો અર્થ ટ્રેન્ડ્સને અનુસરવું નથી, પરંતુ પોતાનાં વ્યક્તિત્વને વ્યક્ત કરવાની એક રીત છે.તાજેતરમાં એક ખાસ ફોટોશૂટ દરમિયાન શ્રીયાએ પોતાની સ્ટાઇલ સેન્સ, ફેશન પ્રત્યેના અભિગમ અને ભારતીય હસ્તકલાપ્રત્યેના પ્રેમ અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું કે વર્ષાે દરમિયાન પોતાને વધુ સારી રીતે સમજવાનું અને પોતાની જાતને પ્રેમ કરવાનું શીખ્યું છે.શ્રીયાએ કહ્યું, “સ્ટાઇલ એ તમે કોણ છો તેનું પ્રતિબિંબ છે. સમય સાથે હું વિકસતી ગઈ છું, નવી બાબતો શીખી છું અને લોકો શું વિચારે છે તેની ચિંતા ઓછી કરતી ગઈ છું. આજે મને લાગે છે કે મેં મારી પોતાની સ્ટાઇલ બનાવી છે.”શ્રીયાનું માનવું છે કે દરેક વ્યક્તિએ પોતાના માટે શું યોગ્ય છે તે સમજવું જાેઈએ.શ્રીયાએ જણાવ્યું, “હું ટ્રેન્ડ્સને અનુસરવામાં માનતી નથી. હું એ સમજવામાં વિશ્વાસ રાખું છું કે મારા માટે શું કામ કરે છે. ફેશન મારા માટે પોતાને બદલવાનો પ્રયાસ નથી, પરંતુ હું જે છું તેને વ્યક્ત કરવાનો વિકલ્પ છે.” ભારતીય પરંપરા અને હસ્તકલાપ્રત્યેનો પ્રેમ શ્રીયાની પસંદગીમાં સ્પષ્ટ જાેવા મળે છે. ખાસ કરીને રાજસ્થાની હેન્ડપ્રિન્ટેડ કપડાં, પરંપરાગત કારીગરી અને હેન્ડલૂમ સાડીઓ તેને ખૂબ પસંદ છે. તેણે કહ્યું કે જ્યારે પણ તે સાડી પહેરે છે, ત્યારે પોતાનાં મૂળ સાથે ફરી જાેડાયા હોવાની અનુભૂતિ થાય છે. સાડી વિશે વાત કરતાં શ્રીયાએ કહ્યું, “મારાં માટે સાડી કરતાં વધુ ગ્લેમરસ કે વધુ આકર્ષક કંઈ નથી. સાડી માત્ર એક કપડું નથી, પરંતુ તેમાં પરંપરા, કળા અને એક કલાકારની મહેનત છુપાયેલી હોય છે. દરેક સાડી પોતાની એક અલગ કહાની કહે છે.”ફાસ્ટ ફેશનના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં લોકોને ગુણવત્તાસભર અને લાંબા સમય સુધી ટકી રહે તેવા કપડાં ખરીદવાની સલાહ આપી. “મને પાંચ સારા કપડાં રાખવા ગમે છે, પરંતુ તે વર્ષાે સુધી ચાલે તેવા હોવા જાેઈએ. આજકાલ લોકો ઝડપથી બદલાતા ટ્રેન્ડ્સ પાછળ દોડે છે, જેના કારણે પરંપરાગત કારીગરી અને હસ્તકલાઓ ધીમે ધીમે ગાયબ થઈ રહી છે.” તેમણે લોકોને હેન્ડવૂવન કોટન, હેન્ડમેડ એમ્બ્રોઇડરી અને ભારતીય હસ્તકલાને પ્રોત્સાહન આપવાની અપીલ પણ કરી. “નકલ ખરીદવાને બદલે અસલ કારીગરીને ટેકો આપો. આ રીતે જ આપણે આપણી પરંપરાગત કલાઓને જીવંત રાખી શકીશું.”અંતમાં આજકાલના બ્યુટી ટ્રેન્ડ્સ અંગે વાત કરતાં શ્રીયાએ ચિંતાજનક વલણ તરફ ધ્યાન દોર્યું. તેણે કહ્યું, “આજકાલ દરેક વ્યક્તિ સંપૂર્ણ દેખાવા માંગે છે અને એક સમયે એવું લાગે છે કે બધા લોકો એકબીજાની નકલ જેવાં દેખાવાં લાગ્યાં છે. ટ્રેન્ડ્સને અનુસરવું ખોટું નથી, પરંતુ તે પ્રક્રિયામાં પોતાની ઓળખ ગુમાવી દેવી યોગ્ય નથી.”





