રામ મંદિર દાન વિવાદમાં ચંપત રાયનો જવાબ મારા પર ખોટા આરોપો, સત્ય બહાર લાવીશ દાન ચોરી મામલે મૌન તોડ્યું, અંતિમ CBI રિપોર્ટ બાદ ખુલાસો કરવાની વાત કરી અયોધ્યા રામ મંદિરના દાન ચોરી વિવાદ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાયે પહેલીવાર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે રામભક્તોને પત્ર લખીને પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તપાસનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર સત્ય દેશ સામે આવશે.
ચંપત રાયે પોતાના પત્રમાં જણાવ્યું કે, ૭ જૂન ૨૦૨૬થી મંદિર પરિસરના દાનપાત્રની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે પોતાના પર પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હોવાથી તેમણે મૌન ધારણ કર્યું હતું.
ચંપત રાયે કહ્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરાયેલા પ્રારંભિક રિપોર્ટ બાદ હવે અંતિમ રિપોર્ટની રાહ જાેવામાં આવી રહી છે.
તેમણે ભક્તોને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તમામ મુદ્દાઓ પર ક્રમબદ્ધ રીતે જવાબ આપવામાં આવશે અને હકીકત સામે આવશે.
પોતાના જાહેર જીવનનો ઉલ્લેખ કરતા ચંપત રાયે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી સંગઠન સાથે જાેડાયેલા છે અને તેમનું જીવન ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે. તેમણે પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા છે.
દાન ચોરી વિવાદ વચ્ચે ટ્રસ્ટ દ્વારા ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે. હવે ચંપત રાયની જગ્યાએ કૃષ્ણ મોહનને અંતરિમ જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ, રામ મંદિર ટ્રસ્ટે ચંપત રાયના યોગદાનની પ્રશંસા કરી છે અને જણાવ્યું છે કે પારદર્શિતા જાળવવા માટે તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ટ્રસ્ટના સભ્યોએ તેમને નિર્દોષ ગણાવતા તેમનો બચાવ પણ કર્યો છે.





