સરકારની ઓફર પર કોકરોચ જનતા પાર્ટીનો જવાબ વાત કરવી હોય તો જંતર-મંતર આવો CJP ના નેતા આશુતોષ રાંકાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતને લઈને મડાગાંઠ યથાવત છે. એક તરફ સરકાર આ વિવાદનો ઉકેલ લાવવા ચર્ચા માટે અપીલ કરી રહી છે, તો બીજી તરફ CJP એ પોતાની શરતો મૂકીને શુક્રવારે દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે.
CJP ના નેતા આશુતોષ રાંકાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય. તેમણે ટ્વિટર (X) પર લખ્યું કે, કોઈ મીટિંગ નડ્ડાજીના ઘરે નહીં થાય. બેઠક કાં તો જંતર-મંતર પર અથવા કોઈ તટસ્થ સ્થળે યોજવી પડશે. આ વખતે માત્ર ઔપચારિક વાતો કે હવાબાજી નહીં ચાલે. તેમણે ઉમેર્યું કે સરકારે CJP ની માંગણીઓ પર ઠોસ વાતચીત કરવી પડશે અને માંગો પૂરી કરવા માટે ચોક્કસ સમયમર્યાદા આપવી પડશે. આ પહેલાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકારે CJP સાથે ચર્ચા કરવા માટે ૪ ઔપચારિક પ્રસ્તાવો મોકલ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુવાનો સાથે વાતચીત કરવા માટે હંમેશા તૈયાર છે. મંત્રીના જણાવ્યા મુજબ, વાતચીત જે.પી. નડ્ડાના કાર્યાલય કે નિવાસસ્થાને થઈ શકે છે અને સરકાર આ મુદ્દે સ્થળને લઈને કોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી રહી નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પણ ચર્ચા માટે તત્પરતા દર્શાવતા કહ્યું કે, હા, અમે તૈયાર છીએ. અમારા નિવાસસ્થાને કે અધિકૃત કાર્યાલયે આવો. જાેકે, બંને પક્ષો પોતપોતાના વલણ પર અડગ હોવાથી વાતચીતનો મામલો ગૂંચવાયેલો રહ્યો છે.





