૨૫ વર્ષની સંઘર્ષપૂર્ણ અભિનયયાત્રાના લેખાજાેખાં રજૂ કર્યા હતા પ્રપંચ કરીને મેળવેલી લોકપ્રિયતાનો શી કામની? : અભિનેતા રણદીપ હુડા ઇન્સ્પેક્ટર અવિનાશ’ની સીઝન-૨માં જાેવા મળેલો આ વર્સેટાઈલ એક્ટર કોરી કલ્પનાની દુનિયામાં નથી
‘મેં વરસો સુધી ઘોડેસવારી કરી છે. કુદરતના ખોળામાં અદ્ભુત સમય વીતાવ્યો છે. હું ઘણો મોડો પરણ્યો અને હવે તો એક દીકરીનો ડેડી પણ છું. ઈન શોર્ટ, મેં અનુભવો અને જ્ઞાાનથી સમૃદ્ધ જીવન માણ્યું છે.’રણદીપ હુડા એક અલગારી જીવ છે. એક્ટર તરીકે તે બોલિવુડમાં ભૂલો પડયો હોય તેવું લાગે, કારણ કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટિપિકલ લાક્ષણિકતાઓથી કાયમ દૂર રહ્યો છે. તે ઇન્ડસ્ટ્રીના કોઈ કેમ્પનો સભ્ય નથી, ભાગ્યે જ ફિલ્મી પાર્ટીમાં હાજરી આપે છે અને માત્ર પૈસા ખાતર ક્યારેય કોઈ રોલ સાઈન કરતો નથી. બોલિવુડની રીતરસમો અપનાવ્યા વિના પણ તેણે પોતાની એક્ટિંગ કરિયરના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. તાજેતરમાં એક ઈવેન્ટમાં રણદીપે પોતાની આ ૨૫ વર્ષની સંઘર્ષપૂર્ણ અભિનયયાત્રાના લેખાજાેખાં રજૂ કર્યા હતા.પોતાની યાત્રા પર દ્રષ્ટિપાત કરતા સની દેઉલની ફિલ્મ ‘જાટ’નો ખોફનાક ખલનાયક કહે છે, ‘૨૫ વર્ષ ભલે ખાસ્સો લાંબો સમય લાગતો હોય, પણ મારા કિસ્સામાં એ પાંપણ ફરકાવતા નીકળી ગયો હોય તેવું લાગે છે. અન્ય લોકોની જેમ મારા પ્રવાસમાં પણ ઉતાર-ચઢાવ આવ્યા. એક લાંબો ગાળો કોઈ કામ વિના ગયો અને પછી કામ મળ્યું તો ઢગલાબંધ મળ્યું. મને કાયમ એવું લાગ્યું છે કે જાે હું વધુ ધ્યાન આપું તો હજુ આનાથી પણ ઘણું વધુ કરી શકું તેમ છું. બીજું, હું ૨૫ વર્ષ પહેલાં જેવો હતો તેવો આજે નથી. માણસ સતત વિકસતો રહે છે, કારણ કે તેની ખરી સ્પર્ધા બીજા સાથે નહીં પણ પોતાની સાથે હોય છે.’પાછલા વર્ષાેમાં રણદીપ એટલું જરૂર શીખ્યો છે કે એક્ટર તરીકે પોતાના કામ વિશે બોક્સ ઓફિસના આંકડાના આધારે મત ન બાંધવો. તે કહે છે, ‘અમારા તમામ એક્ટર્સને આગળ વધવાની અને મોટી છલાંગ લગાવવાની ઈચ્છા હોય છે, પરંતુ ફિલ્મની સફળતા તેના ટાઈમિંગ, રિલીઝ સમયના સંજાેગો અને તેના મેકર્સ પર આધાર રાખે છે. આમાંથી મોટાભાગની બાબતો એક્ટરના અંકુશ બહારની હોય છે. બાકી તો દરેક આટસ્ટ ઈચ્છે કે તેનું કામ વધુને વધુ લોકો જુએ. બોક્સ ઓફિસ કલેક્શનના મોટા આંકડાનો અર્થ એ જ થાય કે ઘણા લોકોએ તમારી મૂવી જાેઈ. સિનેમાઘરોમાં ફિલ્મ સારી ચાલે ત્યારે તમને પાંખો આવી જાય અને તમે પોતાની પસંદગીના વધુ પ્રોજેક્ટ્સ સાઈન કરી શકો.’પોતાના મુદ્દાને વિગતવાર સમજાવતા રણદીપ ઉમેરે છે, ‘એક્ટર તરીકે તમે જ્યારે બોક્સ ઓફિસની સફળતા કે નિષ્ફળતા, એવોર્ડ્સ કે બાહ્ય માન્યતાઓથી વધુ પડતા દોરવાઈ જાવ ત્યારે એ વાતો તમારા પર હાવી થવા લાગે છે. હું પ્રામાણિકપણે માનુ છું કે સફળતા અને નિષ્ફળતા તો આવતી-જતી રહે છે, તેથી સફળતા મળ્યા બાદ છકી ન જવું જાેઈએ અને નિષ્ફળતાને દિલ પર ન લેવી જાેઈએ. ચોક્કસ, એક હિટ ફિલ્મ તમારા માટે ઘણી નવી તકો લાવે છે, પણ જાે પછીની ફિલ્મ ન ચાલે તો તમે તમારો માર્ગ બદલી નાખતા નથી. સતત આગળ વધતા રહેવું એ જ સાચી સફળતા છે.’ઓટીટી સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ની સીઝન-૨માં જાેવા મળેલો આ વર્સેટાઈલ એક્ટર કોરી કલ્પનાની દુનિયામાં નથી રાચતો. તે સ્પષ્ટતા કરતા કહે છે, ‘ઇન્ડસ્ટ્રીમાં રહીને હું બાહ્ય બાબતોથી સાવ અલિપ્ત ન રહી શકું. શુદ્ધ ક્રિએટિવિટી સિવાયના કારણોસર હું ક્યારેય કામ નથી કરતો એવું કહું તો એ જૂઠું હશે. સફળતા અને લોકપ્રિયતાના દરેક વ્યક્તિ માટે અલગ-અલગ અર્થ હોય છે.





