ડૉક્ટરોએ ૬થી ૮ અઠવાડિયાના સંપૂર્ણ આરામની આપી સલાહ શૂટિંગ દરમિયાન ઘાયલ થયા જુનિયર એનટીઆર ફિલ્મ ‘ડ્રેગન’ના શૂટિંગ દરમિયાન એક્શન સીનના શૂટ વખતે ખભામાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ડૉક્ટરોએ ૬થી ૮ અઠવાડિયાના સંપૂર્ણ આરામની આપી સલાહ સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર તેમની આગામી ફિલ્મ ‘ડ્રેગન’ના શૂટિંગ દરમિયાન એક્શન સીનના શૂટ વખતે ખભામાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ટીમે સત્તાવાર નિવેદન જાહેર કરીને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે અને ચાહકોને ગભરાવાની જરૂર નથી તેમ જણાવ્યું છે.ટીમ દ્વારા ૨૭ જુલાઈએ જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જુનિયર એનટીઆરને સાંજના સમયે ખભામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. ડૉ. જે. મધુસૂદન રાવ અને ડૉ. આર. એ. પૂર્ણચંદ્ર તેજસ્વીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી તપાસ બાદ ડૉક્ટરોએ તેમને સંપૂર્ણ સાજા માટે ૬થી ૮ અઠવાડિયા સુધી સંપુર્ણ આરામ કરવાની સલાહ આપી છે.નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, “એનટીઆરને થયેલી ઈજા અંગે ચાહકોને જાણ કરીએ છીએ. તેમની સંપૂર્ણ સાજા થવા માટે ડૉક્ટરોએ આરામની ભલામણ કરી છે. ગભરાવાની કોઈ જરૂર નથી. તેમના સ્વાસ્થ્ય અને રિકવરી અંગે સમયાંતરે સત્તાવાર માહિતી આપવામાં આવશે.”અભિનેતાના સ્વાસ્થ્ય અંગેની માહિતી સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો હતો. સાથે જ ફિલ્મના શૂટિંગ પર આ ઈજાની કેટલી અસર પડશે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.પ્રશાંત નીલના દિગ્દર્શનમાં બની રહેલી ‘ડ્રેગન’ એક પેન-ઈન્ડિયા ફિલ્મ છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર એક અસેસિનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં અનિલ કપૂર, બિજુ મેનન, રુક્મિણી વસંત, ખુશ્બુ સુંદર, ગુરુ સોમસુંદરમ, રાજીવ કનકાલા, આશુતોષ રાણા, અંશુમાન પુષ્કર, સિદ્ધાંત ગુપ્તા, પ્રભાસ શ્રીનુ, શત્રુ, શિવા અને ભીમલ જીત ઓબેરોય સહિતના કલાકારો પણ છે.ફિલ્મની વાર્તા અંગે હજુ સુધી વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. જોકે, ‘ડ્રેગન’ ૧૧ જૂન, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે ચાહકો અભિનેતાની ઝડપી સ્વસ્થતા અને ફિલ્મ અંગેના આગામી અપડેટની રાહ જોઈ રહ્યા છે.





