જેન-ઝી સ્ટાઈલમાં પાઠવી ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા હજુ પણ એક વિદ્યાર્થી છું, દરરોજ કંઈક નવું શીખું છું : રાહુલ ગાંધી રાહુલ ગાંધી યુવાનો સાથે જાેડાવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે અને પેપર લીક અને બેરોજગારી પર ભાર મૂકી રહ્યા છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે ફ્રેન્ડશિપ ડે પર લોકોને જેન-ઝી (Gen Z) સ્ટાઈલમાં શુભેચ્છા પાઠવી છે. તેમણે પ્રખ્યાત કોરિયન ફિંગર હાર્ટ ઈમોજીનો ઉપયોગ કર્યો હતો અને રમુજી અંદાજમાં કહ્યું કે, તેમને હમણાં જ તેનો અર્થ ખબર પડ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતાં રાહુલ ગાંધીએ લખ્યું, હજુ પણ એક સ્ટુડન્ટ છું, દરરોજ કંઈક નવું શીખી રહ્યો છું. આજનો પાઠ : આજે ફ્રેન્ડશિપ ડે છે અને આ ફિંગર હાર્ટ એક દિલ છે. દરેકને ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છાઓ. ખૂબ બધો પ્રેમ!
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સોશિયલ મીડિયા, અનૌપચારિક વાતચીત અને યુવાનો પર કેન્દ્રિત ઝુંબેશ દ્વારા સતત યુવા પેઢી સાથે જાેડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમણે અનેક વખત વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા છે, જેમાં પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી છે. આ સાથે જ તેમણે અનેક ભાષણો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં જેન-ઝીનો ઉલ્લેખ કર્યો છે.
કોંગ્રેસ નેતાએ ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી છે તથા કારકિર્દી, શિક્ષણ અને લોકશાહી અંગેની વાતચીતના વિડીયો પણ શેર કર્યા છે. દેશવ્યાપી છત્રા કી ગુંજ ઝુંબેશ દરમિયાન તેમણે યુવાનોને પરીક્ષાઓમાં ગડબડ અને નોકરીની ભરતીને લગતી સમસ્યાઓ સામે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું હતું.
હાલમાં જ રાહુલ ગાંધીએ ચૂંટણી મુદ્દાઓ પર સોશિયલ મીડિયા દ્વારા સીધી જેન-ઝીને અપીલ કરતાં કહ્યું હતું કે, યુવાનો બંધારણનું રક્ષણ કરશે, લોકશાહી બચાવશે અને મતની ચોરી રોકશે. એક અન્ય પોસ્ટમાં તેમણે યુવાનોને સલાહ આપી હતી કે, જીવનમાં કંઈપણ સીધું કે એકસરખું નથી હોતું, તેથી તેમણે મુશ્કેલીઓ સામે અડીખમ રહેવું જાેઈએ.
ફિંગર હાર્ટ એક લોકપ્રિય જેસ્ચર છે જેની શરૂઆત દક્ષિણ કોરિયામાં થઈ હતી. K-પોપ, K-ડ્રામા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તે ગ્લોબલ ઈન્ટરનેટ ટ્રેન્ડ બની ગયું છે. આ ચિહ્ન અંગૂઠા અને પહેલી આંગળીને એકબીજા પર ક્રોસ કરીને બનાવવામાં આવે છે, જેથી તે એક નાનકડા દિલ જેવું દેખાય છે.





