ટ્રમ્પની ઈરાનને નવી ધમકી માત્ર ૧૦ મિનિટનું કામ છે, બાકી રહેલા ૨ ટાર્ગેટ પણ ઉડાવી દઈશું પિકએક્સ માઉન્ટેન જેવા સંકુલ અમેરિકાના નિશાના પર
મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા)માં યુદ્ધના વાદળો વિખેરાવાની આશા વચ્ચે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ દ્વારા અમેરિકા અને ઈઝરાયલ સામે આક્રમક લશ્કરી વલણ અપનાવવાની ચેતવણી આપ્યાના ગણતરીના કલાકોમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પલટવાર કર્યો છે. ટ્રમ્પે ઈરાનના પરમાણુ સ્થળો પર માત્ર ૧૦ મિનિટમાં હુમલો કરી તેને ધ્વસ્ત કરવાની ખુલ્લી ધમકી આપી છે.
ફ્લોરિડા સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાતચીત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાનની સૈન્ય ક્ષમતા અને તેના પરમાણુ પ્રોગ્રામને પહેલેથી જ અત્યંત નબળો પાડી દીધો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમે ઈરાનની પરમાણુ વ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી છે. અમારે હજુ પણ ૧ કે ૨ ગુપ્ત સાઇટ્સ પર કાર્યવાહી કરવાની બાકી છે, પરંતુ અમે તે કામ માત્ર ૧૦ મિનિટમાં પૂરું કરી શકીએ છીએ.”
ટ્રમ્પે પોતાના નિવેદનમાં ખાસ કરીને ‘પિકએક્સ માઉન્ટેન‘નો ઉલ્લેખ કર્યો હતો. ઈરાનના નતાન્ઝ પરમાણુ મથક નજીક પહાડોની નીચે સેંકડો ફૂટ ઊંડે બનેલું આ ગુપ્ત ભૂગર્ભ ન્યુક્લિયર કોમ્પ્લેક્સ ઈરાનનું સૌથી સુરક્ષિત અડ્ડો માનવામાં આવે છે. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓ ઈરાનના ભૂગર્ભ બંકરોને નિશાન બનાવવાની રણનીતિ ઘડી ચૂકી છે.
ટ્રમ્પના નિવેદન પહેલાં ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ એક લેખિત સંદેશ દ્વારા અમેરિકા-ઈઝરાયલને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જાે દુશ્મન હુમલા કરશે, તો સંઘર્ષ ક્યારે અને કઈ શરતો પર પૂરો થશે તે માત્ર ઈરાન જ નક્કી કરશે. તેમણે લશ્કરને ભૌગોલિક સીમાઓથી મુક્ત થઈને વળતો જવાબ આપવા અને ટાર્ગેટ લિસ્ટ તાત્કાલિક અપડેટ કરવા આદેશ આપ્યો હતો.
મીડિયા અહેવાલો મુજબ, યુએસ મિડટર્મ ચૂંટણી પૂર્ણ થતાં જ અમેરિકા દ્વારા ઈરાન પર બીજા તબક્કાના હવાઈ હુમલા શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ ચૂંટણી બાદ બંને દેશો વચ્ચે ભીષણ લશ્કરી કાર્યવાહી શરૂ થવાની અટકળોને વધુ વેગ આપ્યો છે.




