આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ વાત કરતા જણાવ્યું હતું કે, આજે બિહારમાં પણ વિસાવદરવાળી થઈ છે. બિહારમાં એક વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી હતી. આ બાંકીપુર વિધાનસભા સીટ 30 વર્ષથી ભાજપનો ગઢ કહેવાતી હતી, ત્યાં ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટાઈને આવતી હતી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નવીનની સાથે સાથે બીજા દિગ્ગજ નેતાઓ પણ એ વિધાનસભા બાજુથી આવે છે, ત્યાં ભાજપની હાર થઈ છે. તો આપણા ગુજરાતના લોકો માટે પણ ખૂબ જ ખુશીની બાબત છે કે બિહારની આ પેટા ચૂંટણીમાં પણ વિસાવાદરવાળી થઈ છે. ગુજરાતની વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા જીત્યા અને ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાયા હતા અને હવે એવી જ રીતે બિહારમાં ભાજપના ગઢમાં ભાજપ હારી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, આ સંકેત છે કે તાનાશાહી લાંબી ન ટકે. તાનાશાહી જે રીતે દેશમાં ફેલાઈ રહી છે એને જોઈને લાગી રહ્યું છે કે લોકોની ધીરજનો બાંધ એક ને એક દિવસ જરૂર તૂટશે અને એની શરૂઆત વિસાવદરથી થઈ હતી અને બિહારમાં પણ આ જ વસ્તુ જોવા મળી છે અને મને ભરોસો છે કે દેશના લોકો હવે જાગી રહ્યા છે. દેશના લોકો હવે ભાજપની તાનાશાહી અને ડરની સામે બોલી રહ્યા છે. જનતામાંથી હવે ડર ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે. આપણે આભાર માનીએ વિસાવદરની જનતાનો, બિહારની બાંકીપુર વિધાનસભાની જનતાનો અને આપણી GenZ જનરેશનના યુવાનોનો પણ આભાર માનવો જોઈએ, કારણ કે તાનાશાહી સામે આ દેશને ભયમુક્ત કરવાનું કામ ધીરે ધીરે થઈ રહ્યું છે, આ શરૂઆત છે અને આગામી સમયમાં ગુજરાતમાં પણ તાનાશાહી શાસનને ફેંકી દેવાની તૈયારીઓ લોકો કરી રહ્યા છે. જે લોકો આ દેશમાં લોકશાહીના ચાહક છે અને જે લોકો ઈચ્છે છે કે આ દેશમાં લોકશાહી ટકવી જોઈએ એ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.





