રહાણેએ ખોલ્યું મોટું રહસ્ય યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો બેન, ચિઠ્ઠી પણ લખાઈ ગઈ હતી જયસ્વાલ ટી. રવિ તેજાને સ્લેજ કરી રહ્યો હતો : અમ્પાયર તરફથી અનેક ચેતવણીઓ છતાં જયસ્વાલ પીછે હટ્યો નહીં યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સતત પોતાના પ્રદર્શનના કારણે ચર્ચામાં રહે છે. ટીમ ઇન્ડિયા માટે ઓપનર તરીકે તેણે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે અને હાલમાં તે ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. આ વચ્ચે અજિંક્ય રહાણેએ જયસ્વાલ અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. રહાણેએ જયસ્વાલ સાથે જાેડાયેલા ચાર વર્ષ જૂના વિવાદ વિશે ખુલ્લીને વાત કરી અને એક મોટું રહસ્ય ખોલ્યું છે.
૨૦૨૨ દુલીપ ટ્રોફી ફાઇનલ દરમિયાન જયસ્વાલને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો. આ મુદ્દો સ્લેજિંગથી ઉદ્ભવ્યો હતો, જયસ્વાલ ટી. રવિ તેજાને સ્લેજ કરી રહ્યો હતો. અમ્પાયર તરફથી અનેક ચેતવણીઓ મળવા છતાં જયસ્વાલ પીછે હટ્યો નહીં. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે, પશ્ચિમ ઝોનના કેપ્ટન અજિંક્ય રહાણેએ દરમિયાનગીરી કરી અને જયસ્વાલને મેદાન છોડી દેવાનો આદેશ આપ્યો. રહાણેએ એક અગ્રણી અખબાર સાથેના ઈન્ટરવ્યુમાં આ ઘટનાની વિગતો જાહેર કરી. તેણે જણાવ્યું કે જાે તેણે જયસ્વાલને મેદાનમાંથી બહાર ન મોકલ્યો હોત, તો ખેલાડી પર પ્રતિબંધ લાગી શક્યો હોત. તેણે કહ્યું કે, ક્રિકેટમાં સ્લેજિંગ થાય છે અને મારા મતે તે થવું જાેઈએ થોડી મજાક જરૂરી છે. પરંતુ તે ક્ષણે, મને લાગ્યું કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ શકે છે. જયસ્વાલને ખરાબ લાગ્યું હશે, પરંતુ એવા કિસ્સાઓ છે જ્યાં ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. મેં પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને સમજાયું કે બંને ખેલાડીઓ પોતાનો ગુસ્સો ગુમાવી રહ્યા છે. તે પરિસ્થિતિમાં મારા ખેલાડીને સંભાળવાની જવાબદારી મારી હતી.
રહાણેએ વધુમાં ખુલાસો કર્યો કે મેચ રેફરીએ જયસ્વાલ પર ચાર મેચના બેનની ચિઠ્ઠી પણ તૈયાર કરી લીધી હતી. તેણે કહ્યું કે, મેચ રેફરી ચાર મેચનો પ્રતિબંધ મૂકવા માટે તૈયાર હતા. તેમણે ચિઠ્ઠી લખી અને મારી પાસે લઈને આવ્યા. તેમણે કહ્યું કે, આ રહી એ ચિઠ્ઠી, પરંતુ તમે જે કર્યું તેના કારણે હું તેને ફાડી રહ્યો છું. તેણે મારી સામે ચિઠ્ઠી ફાડી નાખી અને હું ખુશ હતો કે જયસ્વાલને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો નહીં. તે ફાઇનલમાં જયસ્વાલે ૨૯૪ રનની ઇનિંગ રમી હતી.





