પૂર-ભૂસ્ખલનનો ખતરો વધ્યો ચીનમાં ટાયફૂન ડોલ્ફિનનો કહેર,હાઇ એલર્ટ વચ્ચે ૨૪ કલાકમાં ૨૫૦ મિમી સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે ઉત્તરપશ્ચિમ હુબેઈના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપતાં પ્રશાસને પૂર અને ભૂસ્ખલનના સંભવિત જાેખમ સામે તૈયારીઓ તેજ કરી છે
ચીનમાં શક્તિશાળી ટાયફૂન ડોલ્ફિનની અસરને પગલે અનેક વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર ખાસ કરીને મધ્ય ચીનના હુબેઈ પ્રાંતમાં જાેવા મળી રહી છે. હવામાન વિભાગે ઉત્તરપશ્ચિમ હુબેઈના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપતાં પ્રશાસને પૂર અને ભૂસ્ખલનના સંભવિત જાેખમ સામે તૈયારીઓ તેજ કરી છે.
હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ હુબેઈમાં કેટલાક વિસ્તારોમાં ૨૫૦ મિમી સુધી વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ઉપરાંત નદીઓના જળસ્તરમાં વધારો થવાની આશંકા છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનું જાેખમ પણ વધી ગયું છે.
ટાયફૂનની ગંભીર અસરને ધ્યાનમાં રાખીને હુબેઈના અનેક વિસ્તારોમાં સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ઝિયાંગયાંગ, હુઆંગગાંગ અને સુઇઝોઉ જેવા શહેરોમાં હવામાન સંબંધિત ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ઇચાંગ ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ થ્રી ગોર્જેસ ડેમ સહિત અનેક પર્યટન સ્થળોને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત, હુબેઈમાં ચાલી રહેલા મુખ્ય હાઇવે અને જળમાર્ગ બાંધકામ પ્રોજેક્ટ્સમાંથી કેટલાક કામને પણ અસ્થાયી રીતે રોકવામાં આવ્યા છે. ભારે વરસાદ દરમિયાન બાંધકામ સ્થળો પર અકસ્માતનું જાેખમ વધતું હોવાથી આ સાવચેતી રાખવામાં આવી છે.
ટાયફૂનની અસર હુબેઈ સુધી મર્યાદિત ન રહેવાની આશંકા છે. હુબેઈથી આશરે ૧,૦૦૦ કિલોમીટર દૂર આવેલી ચીનની રાજધાની બેઇજિંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરના કેટલાક બાહ્ય વિસ્તારોમાં કટોકટીની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
પ્રશાસન દ્વારા લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ, હાઇવે અને જળમાર્ગોના પરિવહન પર પણ અસર થવાની શક્યતા છે.
ચીન ઉપરાંત પડોશી દેશ જાપાનમાં પણ ટાયફૂન ચાન-હોમને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેના કારણે પૂર્વ એશિયામાં એકસાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ પર છે.
ટાયફૂન ડોલ્ફિનની અસર આગામી કલાકોમાં કેટલી ગંભીર બને છે તેના પર ચીનના અનેક વિસ્તારોની નજર છે. પ્રશાસન દ્વારા પૂર, ભૂસ્ખલન અને પરિવહન વ્યવસ્થાને લઈને સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.





